Surat: ઓલપાડ તાલુકાનું આ ગામ બન્યુ ગુજરાતનું પહેલુ ડીઝલ મુક્ત ગામ, જાણો અન્ય ગામોની તુલનાએ કેવી રીતે અલગ તરી આવે છે આ ગામ
Surat: સુરતના ઓલપાડ તાલુકામાં આવેલુ ગામ ગુજરાતનું સૌપ્રથમ ડીઝલ મુક્ત ગામ બન્યુ છે. એકસમયે જે ગામમાં ખેડૂતો હર હંમેશ સિંચાઈની સમસ્યાનો સામનો કરવો પડતો હતો ત્યાં હવે ખેડૂતો સૌર ઊર્જાથી ખેતી તરફ વળ્યા છે.

સુરતના ઓલપાડ તાલુકાનું ગામ ગુજરાતનું પહેલું ડીઝલ પંપ મુક્ત ગામ બન્યુ છે. આ ગામ છે ઓલપાડ તાલુકાનું ભાંડુત ગામ. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારનું ભાંડુત ગામ અન્ય ગામો કરતા થોડુ અલગ છે. આ ગામના ખેડૂતોને હરહંમેશ સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારના ખેડૂતો ડીઝલ એન્જીનથી ગામના તળાવમાંથી પાણી લઈ ખેતી કરતા હતા. જોકે, ખેતીની આ પદ્ધતિમાં સમય અને નાણાં બંનેનો વ્યય થતા ખેડૂતોએ તેમાં સુધારો કરવાનું વિચાર્યું. જેમાં સૌપ્રથમ તળાવ ઊંડું કરી પાણીનો સંગ્રહ કરી સૌર ઉર્જાથી ખેતી કરવાનું શરૂ કર્યું. સોલાર વોટર પંપની મદદથી ખેતી કરવાથી ખેડૂતોને સમય અને નાણાં બંનેમાં મોટી રાહત થઇ ગઈ છે.
પહેલા ભાંડૂત ગામના ખેડૂતો ડીઝલથી ચાલતા મોટર પંપનો ઉપયોગ કરતા હતા. ગામના 401 ખેડૂતોને સામૂહિક રીતે ત્રણ તળાવોમાંથી સિંચાઈ માટે મહીને રૂ.9.13 લાખના તથા વર્ષે રૂ.1.10 કરોડના ડીઝલનો વપરાશ થતો હતો. જોકે, અદાણી ફાઉન્ડેશનનો સહયોગ અને સરકારની સોલાર વોટર પંપ સંચાલિત સૌર ઉર્જા યોજનાથી તેમનો સિંચાઈનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. માત્ર રૂ. 9.50 લાખ ખર્ચ થયો છે એ મેઈટેનન્સનો છે. ભાંડૂત ગામ હવે 100 ટકા સોલાર પંપ સંચાલિત ડીઝલ મુક્ત ગામ બન્યું છે. જેનો મોટો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. આ યોજનાથી દૂરના વિસ્તારોમાં પણ પાણી મળતું થયું છે. આથી ખેડૂતો આર્થિક રીતે પણ પગભર થઇ રહ્યા છે.
સોલાર વોટર પંપ સંચાલિત પરિયોજનાનું ઉદ્દ્ઘાટન રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. મંત્રીનું કહેવું છે કે ભાડૂત ગામ ડિઝલ મુકત બનવાથી ગામની 688 વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા 400 ખેડૂતોને ફાયદો થશે.
ડીઝલ પંપ મુક્ત ગુજરાતનું પહેલું ગામ બનેલા ભાંડૂત ગામને આ પહેલનો મોટો ફાયદો એ થયો છે કે તેનાથી કેટલીક ખેતીલાયક જમીનની ઉપયોગિતા વધી છે. ડીઝલથી સૌર સુધીના પરિવર્તનની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે, ત્યારે ગામ લોકો માને છે કે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસમાં આ પહેલ ઘણી ઉપયોગી થશે. ઈનપુટ ક્રેડિટ- સુરેશ પટેલ- ઓલપાડ