Surat: કાપડના વેપારીઓને શ્રાવણ મહિનો ફળ્યો, પાર્સલોનું ડીસ્પેચીંગ વધતા વેપારીઓને થઈ રાહત
શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની મોસમ શરૂ થઈ છે અને આ તહેવારોનો લાભ મળવાની આશાના કારણે પણ બજારમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું છે અને હવે ધીરે ધીરે બહારગામના વેપારીઓ પણ ફેસ્ટિવલની ખરીદીને લઈને સુરત આવતા થયા છે.
કોરોના (Corona Virus)ના કારણે સુરત (Surat)ના બંને પાયાના ઉદ્યોગો ખુબ જ ડિસ્ટર્બ થયા હતા. ખાસ કરીને કોરોનાની બીજી લહેરની અસરથી સુરતનો કાપડ ઉદ્યોગ ખુબ જ પ્રભાવીત થયો હતો પણ કોરોનાની લહેર ઓસરતાની સાથે જ આખરે શ્રાવણ મહિનો સુરતના કાપડ બજારને ફળી ગયો છે. બહારગામના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા હોવાના કારણે હવે કામકાજ વધ્યું છે અને ટેક્સ્ટાઈલ ગુડ્સ ઉદ્યોગોનું ડીસ્પેચીંગ રોજના 15 હજાર પાર્સલો સુધી પહોંચ્યું છે.
શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની મોસમ શરૂ થઈ છે અને આ તહેવારોનો લાભ મળવાની આશાના કારણે પણ બજારમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું છે અને હવે ધીરે ધીરે બહારગામના વેપારીઓ પણ ફેસ્ટિવલની ખરીદીને લઈને સુરત આવતા થયા છે. વેપારીઓને હવે લાંબા સમય બાદ વેપાર મળતા તેઓ પણ કામકાજ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. કારણ કે કામનું ભારણ પણ હવે વધ્યું છે.
એક મહિના પહેલાની વાત કરીએ તો પહેલા કરતા કાપડ માર્કેટમાંથી પાર્સલોનું રોજનું ડીસ્પેચ 20થી 25 ટકા જેટલું હવે વધી ગયું છે. એક મહિના પહેલા દૈનિક 12 હજાર પાર્સલોનું ડીસ્પેચીંગ થતું હતું, તે હવે વધીને 15 હજાર અને તેના કરતા પણ વધારે પર પહોંચ્યું છે. કામકાજ હાલ ખુબ સારા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં દિવાળી સુધી વેપાર જળવાઈ રહેવાની પણ આશા છે, તેવું પાર્સલ કોન્ટ્રાકટરો જણાવી રહ્યા છે.
અન્ય રાજ્યો ખાસ કરીને મુંબઈ અને મહારાષ્ટ્રમાં છૂટછાટો વધી છે. તેના કારણે પણ પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. વેપારીઓ તરફથી હવે તહેવારોના ઓર્ડર મળવાનું શરૂ થયું છે અને હવે અન્ય રાજ્યો જેમ કે યુપી તેમજ બિહારના વેપારીઓ પણ ખરીદી માટે સુરત આવી રહ્યા છે.
કોરોનાના કેસો ઘટતા હવે વેપારીઓમાં કોરોનાનો ડર પણ ઓછો થયો છે. આરટીપીસીઆર અને વેક્સિન માટેનો આગ્રહ પણ ઓછો થયો હોવાના કારણે હવે વેપારીઓ બહારગામથી આવતા થયા છે. બે મહિના પહેલા કામકાજના અભાવે બેસી રહેતા વેપારીઓને હવે ઓર્ડર મળવા લાગ્યા છે. જેથી મંદીની તેમની ફરિયાદો પણ ઓછી થઈ છે. આવનારા તહેવારો માર્કેટમાં હજી તેજી લાવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે માર્કેટમાં ફરી એકવાર લાંબા સમય બાદ રોનક આવે તેવી સંભાવના છે.