Surat : સતત ત્રણ દિવસથી પાણી છોડાતા તાપી નદી ફરી બે કાંઠે, કોઝવેની સપાટી પણ 8 મીટર નજીક પહોંચી
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આજે સવારથી મેઘરાજાના વિરામ વચ્ચે હથનુર ડેમમાંથી હાલ 93 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુરત(Surat ) શહેરમાં ગઈકાલે મોડી રાત્રે હળવાથી ભારે વરસાદી(Rain ) ઝાપટા બાદ આજે સવારથી વાદળોની સંતાતુકડી વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો હતો. જિલ્લામાં એકમાત્ર કામરેજ તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં પણ મેઘરાજાની ગેરહાજરી વર્તાઈ હતી. જો કે, બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી હજી પણ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય સાબિત થઈ રહી છે. આજે બપોરે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને વટાવીને 340.47 ફુટ નોંધાવા પામી છે. હાલ ઉકાઈ ડેમમાંથી 97 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ફ્લડ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાને બાદ કરતાં એકંદરે વાદળોની સંતાકુકડી જ જોવા મળી હતી. શહેર – જિલ્લા પૈકી એકમાત્ર કામરેજ તાલુકામાં આજે બપોર સુધી માત્ર ચાર મીમી વરસાદ નોંધાયો છે.
કોઝવેની સપાટી પણ આઠ મીટર નજીક પહોંચી
જોકે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં આજે સવારથી મેઘરાજાના વિરામ વચ્ચે હથનુર ડેમમાંથી હાલ 93 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે સવારથી હથનુર ડેમના 16 ગેટ અઢી મીટર સુધી ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી ગઈકાલથી જ રૂલ લેવલને વટાવી જતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે અને હાલની સ્થિતિને ધ્યાને રાખીને ઉકાઈ ડેમના આઠ ગેટ 5 ફુટ સુધી ખોલીને એકંદરે એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી સતત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદી પણ બન્ને કાંઠે વહેતી થઈ ચુકી છે અને ઓવરફ્લો થયેલા કોઝવેની સપાટી આજે સવારે આઠ મીટરની લગોલગ પહોંચી છે.