Surat : પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીને સિમેન્ટ કોંક્રિટથી ઢાંકી દેવા SMCની તૈયારી
ચોમાસા દરમ્યાન ભારે વરસાદને પગલે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. આરસીસી સ્ટ્રક્ચર બનવાના કારણે ખાડીની વહનક્ષમતામાં પણ વધારો થશે. અને પાણીનો નિકાલ પણ ઝડપથી થઇ શકશે.
સુરત (Surat )શહેરમાંથી પસાર થતી ખાડીઓ (Bay ) ગંદકીથી ખદબદતી હોય છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકોને દુર્ગંધ મારતી ખાડીઓથી છુટકારો મળી રહે તે માટે ખાડીઓને વિકસાવવામાં આવી રહી છે. અને ખાડીઓના બ્યુટીફીકેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આવી જ એક કામગીરી પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડી માટે હાથ ધરવામાં આવનાર છે.
સુરતના પુણા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીને સિમેન્ટ કોંક્રિટથી ઢાંકી દેવા મહાનગરપાલિકાના શાસકો તૈયારી કરી રહ્યા છે. આ કામગીરી કરવાથી જે પોણા ત્રણ કિલોમીટર લાંબી ખાડી છે, તે આખી કવર્ડ થઇ જશે, અને લોકોને ગંદકી તેમજ દુર્ગંધથી છુટકારો મળવાની સાથે વધુ એક સમાંતર માર્ગ મળતા ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.
અંદાજે 8.30 કી.મી. પૈકી પોણા ત્રણ કી.મી. લાંબાઇમાં ખાડીને કવર્ડ કરવાની બાકી કામગીરી માટે 274.34 કરોડના ખર્ચે પૂર્ણ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ખાડીઓના રી મોલ્ડિંગ અને રી સ્ટ્રક્ચરિંગ કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. સરિતા વિહારથી એપીએમસી માર્કેટ સુધી 1.35 કી.મી. લંબાઈમાં કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. જયારે કરંજ એસટીપીથી સરિતા વિહાર સોસાયટી સુધીની 1.50 કી.મી. લંબાઈમાં ખાડીના રી મોલ્ટીંગ અને રી સ્ટ્રક્ચરિંગની કામગીરી 75 ટકા જેટલી પૂર્ણ થઇ ગઈ છે.
ખાડીની બાકીની કામગીરી પૂર્ણ કરવાં માટે અંદાજે 274.34 કરોડના ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. આ કોયલી ખાડીને આરસીસી સ્ટ્રક્ચર બનાવી સંપૂર્ણપણે કવર કરવાથી માર્ગ પરિવહન માટે વૈકલ્પિક રસ્તો મળી રહેશે. આ સાથે ગંદકીનું પ્રમાણ પણ ઘટાડી શકાશે.
ચોમાસા દરમ્યાન ભારે વરસાદને પગલે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. આરસીસી સ્ટ્રક્ચર બનવાના કારણે ખાડીની વહનક્ષમતામાં પણ વધારો થશે. અને પાણીનો નિકાલ પણ ઝડપથી થઇ શકશે. આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.