Surat: વધુ એક સનદી અધિકારીને સુરત સદી ગયુ, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની હવે કેન્દ્રમાં પોતાના કામનું પાણી બતાવી શકશે
સુરતના હાલના મ્યુનિસિપલ કિમશનર બંછાનીધી પાનીની જોઈન્ટ સેક્રેટરી તરીકેની લાયકાત હોવાથી પસંદગી કરવામાં આવી. કેન્દ્રની સેવામાં જવા ઈચ્છે તો ડેપ્યુટેશનની માંગણી કરી શકે છે. કમિશનર બંછાનીધી પાનીનુ કામ કોરોનાના કપરા સમયમાં પણ બિરદાવવા લાયક રહ્યું છે.
સુરતમાં(Surat ) કોરોના ના કપરા સમયમાં આ મહામારી સામેની લડતમાં સફળ નેતૃત્વ કરીને શ્રેષ્ઠ કામગીરી કરનાર સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની ને કેન્દ્ર સરકારે પ્રમોશન આપ્યું છે. થોડા સમય પહેલા જ એક વાત વહેતી થઇ હતી કે સુરતના મનપા કમિશનર બંછાનીધી પાની એ કોરોના(Corona ) સામેની લડાઈમાં શ્રેષ્ઠ કામગીરી કરવા ઉપરાંત કોરોનાના કપરા સમય વચ્ચે પણ સુરતના વિકાસની ગતિને ધીમી પડવા નથી દીધી.
જેથી આ બાબતની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. ત્યારે હવે કેન્દ્ર સરકરે ગુજરાતના માત્ર છ આઈએએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી પદ માટે લાયકાત હોવાથી પસંદગી કરી છે. તેમાં બંછાનીધી પાનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના(Gujarat cader ) બંછાનીધી પાની ઉપરાંત શાલિની અગ્રવાલ, હર્ષદકુમાર પટેલ, પી.ભારથી, રણજિતકુમાર, કે.કે.નીરાલાની પણ પસંદગી કરવામાં આવી છે. જે પૈકી પી.ભારથી પણ સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટેશન પર ડેપ્યુટી કિમશનર તરીકે રહી ચુક્યા છે.
હવે આ અધિકારીઓ કેન્દ્રની સેવામાં જવા ઈચ્છે ત્યારે ડેપ્યુટેશનની માંગણી કરી શકે છે. નોંધનીય છે કે આ અગાઉ સુરત મનપા કમિશનર રહી ચૂકેલા પંકજ જોશી અને એસ.અપર્ણા પણ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી ચુક્યા છે. હાલમાં બંછાનીધી પાની સુરતના કમિશનર તરીકે જ યથાવત રહેશે.
આમ, મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતમાં રહી ચૂકેલા અધિકારીઓને સુરત શહેર ખુબ લકી સાબિત થયું છે. સુરતમાં કામ કર્યા બાદ કેન્દ્ર માં સેવા કરવાની તક આ પહેલા પણ ઘણા મ્યુનિસિપલ કમિશનરને મળી ચુકી છે અને હવે આ તક હાલના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીને મળી છે.
આ પણ વાંચો :