Surat : શહેરની ઓળખ સમાન કેબલ બ્રિજ 28 જુલાઈથી એક મહિનો રહેશે બંધ, જાણો કેમ ?
તારીખ 28 મી જુલાઇથી (July ) 27 ઓગસ્ટ દરમિયાન કેબલ સ્ટેઇડ બ્રીજનો અડાજણથી અઠવાલાન્સ તરફનો એક ભાગ એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતના અડાજણ (Adajan ) અને અઠવાગેટ(Athvagate ) વિસ્તારને જોડતો કેબલ બ્રિજ (Cable Bridge ) હવે એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી આ બ્રિજના એક છેડાનો ભાગ બંધ રાખવામાં આવશે. કેબલ સ્ટેઇડ બ્રિજ પર સેન્સર બેઝ મોનિટરિંગ અને ફસાડ પ્રકારની લાઇટિંગની કામગીરી હેતુ આગામી 28 જુલાઇથી એક મહિના માટે બ્રિજનો અડાજણથી અઠવા તરફ જતો રૂટ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. એજન્સી દ્વારા આ કામગીરી માટે 40 દિવસનો સમય કોર્પોરેશન પાસે માગવામાં આવ્યો છે. જે સામે મનપા અને પોલીસ વિભાગ દ્વારા મિટિંગ બાદ 30 દિવસ સુધી બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
બ્રિજના મોનીટરીંગ સિસ્ટમ અને લાઇટિંગ માટે બ્રિજ બંધ રાખવાનો નિર્ણય :
સુરતની નવી ઓળખ સમાન બની ગયેલા કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાને ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. આ બ્રિજ વિશિષ્ટ પ્રકારનું સ્ટ્રકચરધરાવે છે. આ કેબલ સ્ટેઇડ બ્રિજની વિશિષ્ટ કાળજી ના ભાગ રૂપે તેની જાળવણી માટે સ્ટ્રક્ચર હેલ્થ મોનીટરીંગ સિસ્ટમ જરૂરી બની ગઇ છે. કેબલ સ્ટેઇડ બ્રિજના મોનિટરિંગ માટે રૂ.16.89 કરોડના ખર્ચે સિસ્ટમ નંખાશે. તેમજ રૂ.2.97 કરોડના ખર્ચે યુનિક લાઇટિંગ સિસ્ટમ નાખવામાં આવશે. તેના માટેની કામગીરી સોંપી દેવામાં આવી છે.
તાપી નદી પર બનેલા કેબલ સ્ટેઇડ બ્રીજના કેબલ ઉપર જુદા-જુદા સેન્સર લગાવવામાં આવશે. આ સિસ્ટમની મદદથી કેબલ ફોર્સ, વાઇબ્રેશન,તાપમાન, સ્ટ્રેસ મોનીટરીંગ, ડિસ્પ્લેસમેન્ટ, ડીફલેકશન, વિન્ડ પ્રેશર વિગેરે જેવા પેરામીટર નો રીયલ ટાઇમ ડેટા મેળવી શકાશે. આ તમામ ડેટાનું સંચાલન બ્રિજ નીચે કંટ્રોલ રૂમ બનાવવામાં આવે ત્યાંથી કરવામાં આવશે
28 જુલાઈથી રહેશે બ્રિજનો એક છેડો રહેશે બંધ :
બ્રિજ પર આ અગત્યની કામગીરી થતી હોય બ્રિજ પર એક ભાગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ હોય તે જરૂરી છે. આ માટે મનપા કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર વચ્ચે મિટિંગ થઇ હતી અને સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે તેમજ કંટ્રોલ સિસ્ટમ માટે એક માસ માટે બ્રિજ બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે. જેથી હવે તારીખ 28 મી જુલાઇથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ સ્ટેઇડ બ્રીજનો અડાજણથી અઠવાલાન્સ તરફનો એક ભાગ એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે એક મહિના બાદ કેબલ બ્રિજ યુનિક લાઈટિંગથી ઝળહળી ઉઠશે.
એક મહિના બાદ રોશનીથી ઝળહળી ઉઠશે કેબલ બ્રિજ :
નોંધનીય છે કે થોડા મહિનાઓ અગાઉ કેબલ બ્રિજ પર સુશોભન માટે મુકવામાં આવેલી લાઇટિંગની ચોરી કરવામાં આવી હતી. તે બાદ આ બ્રિજ પર લાઈટો મુકવામાં આવી ન હતી. પણ ફરી એકવાર શાસકોએ શહેરની ઓળખ સમાન આ બ્રિજને રોશનીથી સુશોભિત કરવાનો નિર્ણય લીધો છે.