ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપ લાઇનમાં પંક્ચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરવામાં પેંધા પડેલા હરિયાણાના સંદીપ ગુપ્તાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સંદીપ ગુપ્તા રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી પાઇપ લાઇનમાં તોડફોડ કરી 400 કરોડથી વધુની રાષ્ટ્રીય સંપતિને નૂકશાન પહોંચાડી ચૂક્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઈપ લાઈનમાંથી ક્રુડ ઓઈલની ચોરી અંગે ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી હાલમાં અમદાવાદ ખાતે સંતાયેલો છે. અહીં રહીને પણ તે ઓઇલ ચોરીનો ગોરખધંધો કરી રહ્યો છે.
આ બાતમીના આધારે તપાસ કરી અમદાવાદથી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા (રહે. ઇ-1302, સેલીબ્રીટી હોમ્સ, પાલમવિહાર, ગુડગાંવ, હરીયાણા) ને ઝડપી લવાયો હતો.પૂછપરછમાં સંદીપ ગુપ્તાએ કબૂલાત કરી હતી કે, ફેબ્રુઆરી-2024 નાં અરસામાં ઇન્ડીયન ઓઇલની મુંન્દ્રા-પાનીપત પાઈપલાઈનને રાજસ્થાનના બ્યાવર જિલ્લાના બર ગામે પંક્ચર કરી હતી.
પોતાના સાગરીતો રાજેન્દ્ર જૈન, પ્રદિપકુમાર માળી, આકાશ જૈન, સોહનલાલ બિશ્નોઈ, આશીષ મિણા સાથે મળી જમીનમાં 10 થી 12 ફૂટ ઊંડી 50 ફૂટ લાંબી સુરંગ બનાવી પાઇપ લાઇનમાં પંકચર કરી વાલ્વ ફીટ કરી દીધો હતો. આ વાલ્વમાં પાઇપ નાંખી કરોડો રૂપિયાનું ડીઝલ ચોરી કર્યું હતું. આ કેસમાં રાજસ્થાન એટીએસ દ્વારા નોંધાયેલા ગુનામાં તે વોન્ટેડ છે.
ભાવેશ રોજીયાએ વધુંમાં જણાવ્યું હતું કે, સંદિપ ગુપ્તા સને-2006 થી ઓઈલ ચોરીનું રેકેટ ચલાવી રહ્યો છે. માં સામેલ થયેલ ભારતના અલગ અલગ રાજ્યોમાં પોતાના સાગરીતો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે. ચાર રાજ્યોમાં તેનું નેટવર્ક છે. જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલા ગુનામાં સંદિપ ગુપ્તાની ૨૦૨૧માં ધરપકડ કરાઇ હતી.
ગુપ્તાની ગેંગ વિરૂધ્ધ રાજસ્થાન અને ગુજરાત એટીએસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરાયો હતો. રાજસ્થાન અને ગુજરાતના કેસમાં વચગાળાના જામીન લઈ ફરાર થઈ ગયેલા ગુપ્તાને જાન્યૂઆરી, 2023માં સુરત ક્રાઇમ બ્રાન્ચ કલકત્તાથી પકડી લાવી હતી.સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્રકુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનમાં અલવર, ચિત્તોડગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, બર તથા હરિયાણાનાં સોનીપત, રોહતાસ, ગોહના, ઝજ્જર તથા ગુજરાતનાં મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકત્તા, વર્ધમાનનગર વિગેરે જગ્યાએ પાઇપ લાઇન પંક્ચર કરી ચૂક્યો છે. આ ઠેકાણેથી તેણે 400 કરોડની ક્રુડઓઈલ ચોરી રાષ્ટ્રીય સંપતિને નૂકશાન પહોંચાડ્યાનો અંદાજ પણ રોજીયાએ વ્યક્ત કર્યો હતો.
સંદીપ ગુપ્તા ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યા ૧-૨ કિ.મી.ના અંતરમાં ખેતર, જૈવિક ફેક્ટરી, શેડ અથવા પેટ્રોલ પંપ ભાડાથી રાખે છે. આ જગ્યાથી સુરંગ ખોદી તે પાઇપ લાઇન સુધી પહોંચી પંક્ચર કરે છે. પાઇપ લાઇનમાંથી ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઈલ ભરીને લઈ જવાય છે. એક રાતમાં તેઓ 3-4 કન્ટેનરમાં ઓઈલ ચોરી કરી કરતા હતાં. સદિપ ગુપ્તાએ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, વેસ્ટ બંગાળના ઓઈલ માફીયાઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયાનું ઓઇલ ચોરી કર્યું છે. ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો મુનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી, નિશાત કર્ણીક તથા વસીમ કુરેશી વિગેરેની મદદથી યુઝ્ડ ઓઇલ ખરીદતો અને વેચતો હતો. આખી સિન્ડીકેટ બન્યા બાદ તેણે પાઈપ લાઈનમાંથી ઓઇલ ચોરી કરવાનું શરૂ કર્યું હતું.
Published On - 9:26 pm, Wed, 7 August 24