Surat : તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર
કલેકટરે અપીલ કરી છે કે પાણી જ્યાં વધારે માત્રામાં વહેતુ થયું છે તે જગ્યા પર સેલ્ફી લેવા કે હરવા ફરવા લોકો ન જાય. કારણ કે તે જોખમી હોય શકે છે.
ઉકાઈ(ukai ) ડેમમાંથી જયારે પણ તાપી (Tapi ) નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે સુરતવાસીઓના જીવ તાળવે ચોંટી જાય છે.
શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદે માઝા મૂકી છે. આખા ચોમાસાની કસર આ એક સપ્ટેમ્બર મહિનામાં પુરી થવાની હોય એવો વરસાદ વરસી રહ્યો છે. શરૂઆતમાં લાગતું હતું કે આ વર્ષે ચોમાસુ સારું નહિ જાય પણ છેલ્લા અઠવાડિયાથી શહેર અને જિલ્લામાં જે પ્રમાણે વરસાદ જામ્યો છે તેને જોતા ક્યાંકે લીલો દુકાળ ન પડે તેની ચિંતા ધરતીપુત્રોને પણ સતાવી રહી છે.
ઉકાઇના ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વધ્યો છે તેને લઈને ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હાલ તાપી નદી બંને કાંઠે વહી રહી છે. ઉકાઇના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડ્યો છે. ઉકાઇના ઉપરવાસમાં આવેલા ત્રણ ડેમમાંથી 3,70,000 ક્યુસેક જેટલું પાણી આવ્યું છે. જેથી ઉકાઈ ઓથોરિટી દ્વારા 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
પરિસ્થિતિને જોતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 52 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત કોર્પોરેશન દ્વારા પણ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે. ખાડી પૂરની સંભવિત સ્થિતિને જોતા ડી વોટરિંગ પમ્પ અને ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુરત જિલ્લા કલેકટર આશિષ ઓકના જણાવ્યા પ્રમાણે હાલ સુરત માટે કોઈ ચિંતાનું કારણ નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યાં સુધી 3 લાખ ક્યુસેક આઉટફ્લો નહીં થાય ત્યાં સુધી કોઈ ચિંતા નહીં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. છતાં આગોતરા પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. તાપીમાં પાણી વધતા હનુમાન ટેકરી પાસે ફ્લડ ગેટ બંધ પણ કરવામાં આવ્યા છે.
કલેકટરે એ પણ અપીલ કરી છે કે પાણી જ્યાં વધારે માત્રામાં વહેતુ થયું છે તે જગ્યા પર સેલ્ફી લેવા કે હરવા ફરવા લોકો ન જાય. કારણ કે તે જોખમી હોય શકે છે. જે વાવાઝોડાની વાત હતી તેને લઈને તેમણે ઉમેર્યું હતું કે ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે. જોકે હજી 24 કલાક ભારે વરસાદ પડી શકે છે. પણ તે બાદ વાતવરણ ચોખ્ખું થઇ શકે છે.
આ પણ વાંચો :
Surat : રખડતા ઢોરોના ત્રાસના ઉકેલ માટે નવી નીતિ રજૂ, હવે દંડ 500 થી 4000 સુધીનો કરાશે
આ પણ વાંચો :