Surat: મોબાઈલ ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઇ, 114 મોબાઈલ સાથે 31 ગુનાના ભેદ ઉકેલાયા,જાણો કેવી રીતે કરતા હતા ચોરી
સુરત શહેરમાં રાંદેર પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. રાંદેર પોલીસની ટીમે બે મોબાઈલ ચોર પાસેથી મોબાઈલ ખરીદતા બે વેપારી સહિત કુલ 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 114 મોબાઈલ ફોન કબજે કર્યા છે તેમજ પોલીસ તપાસમાં 31 ગુનાના ભેદ ઉકેલાયા છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. મોર્નિંગ વોક પર નીકળતા કે રસ્તેથી પસાર થતા રાહદારીઓના હાથમાંથી બાઈક પર આવતા ઈસમો મોબાઈલ ફોન ઝૂટવીને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ જતા હતા. ત્યારે રાંદેર પોલીસની ટીમે આખરે આ સ્નેચર ટોળકી અને તેઓની પાસેથી મોબાઈલ ફોન ખરીદતા ઈસમોની ધરપકડ કરી છે. રાંદેર પોલીસની ટીમે બાતમીના આધારે મોબાઈલ સ્નેચર જમીલ મોહમદ હનીફ અને અરબાઝ ઉર્ફે માંજરો નવસાદ પઠાણ ને બીલ વગરના 5 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા હતા.
આ મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરીને સમય વેડફ્યા વગર સ્નેચરોને સાથે લઈને તેઓ જેને મોબાઈલ આપતા હતા તેવા રીસીવર સાહિદ ઉર્ફે લીટી નુર અલી સૈયદ અને બાદમાં મોહમદ હુશેન ઉર્ફે તૈશીફ શબ્બીર સૈયદને પણ ઝડપી લીધા હતા. મોહમદ હુશેન ઉર્ફે તૈશીફ શબ્બીર સૈયદ પોલીસને ટીમને પુરાવા થતા મુદામાલના મોબાઈલ ન મળે અન્ય જગ્યાએ ફેરવ્યા હતા તેમજ પોતે આવું કામ કરતો નથી અને પોતે એસી રીપેરનું કામ કરે છે. મને કેમ હેરાન કરો છો, આ લોકો લોકો મને ખોટા ફસાવે છે, મારા પાસે એકપણ ચોરીનો મોબાઈલ નથી તેવું રટણ કરતો હતો. પરંતુ પોલીસની એક ટીમે તેના ઘરે તપાસ કરતા અધધ એવા 109 મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 1 લાખ મળી આવતા આરોપીની બોલતી બંધ થઇ ગયી હતી.
આમ પોલીસે બે મોબાઈલ સ્નેચર અને ચોરીના મોબાઈલ ખરીદનારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 11 લાખની કિમતના કુલ 117 મોબાઈલ, એક બાઈક, એક ઓટો રીક્ષા, એક બર્ગમેંન ગાડી તથા રોકડા રૂપિયા 1 લાખ મળી કુલ 14.60 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસ તપાસમાં હાલમાં સુરતના અમરોલી, કોસંબા, લીંબાયત, સારોલી, કાપોદ્રા, સલાબતપુરા, જહાંગીરપુરા, ખટોદરા, પાલ, પુણા, રાંદેર, સરથાણા વગેરે મળી કુલ 31 ગુનાના ભેદ હાલ ઉકેલાઈ જવા પામ્યા છે. આ મામલે પોલીસે હાલ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.વધુમાં પકડાયેલો આરોપી જમીલ મોહમદ હનીફ શા મોરાભાગળ ખાતે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તથા અન્ય સ્નેચર અરબાઝ ઉર્ફે માંજરો નવસાદ પઠાણ ચીકનની દુકાનમાં નોકરી કરતો હતો.
તેમજ રીસીવર મોહમદ હુશેન ઉર્ફે તૈશીફ શબ્બીર સૈયદ એસી રીપેરીંગનું કામ કરતો હતો અને સાહીદ ઉર્ફે લીટી નુરઅલી સૈયદ રીક્ષા ચલાવવાનું કામ કરતો હતો. પકડાયેલા મોબાઈલ સ્નેચર તથા રીસીવરને આ કામમાં વધુ નાણા ન મળતા હોય અને કામ વધુ કરવું પડતું હોવાથી તેમજ સરળતાથી મહેનત વગરના વધુ પૈસા કમાવવા અને હાઈ પ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે પોતાની મોટર સાયકલ પર સુરત શહેરના અલગ અલગ ધાર્મિક સ્થળ, બાગ બગીચા, તેમજ જાહેર જગ્યાઓ પર ફરી તકનો લાભ લઇ મોબાઈલ સ્નેચીગ કરી અને પકડાયેલા મોબાઈલ ખરીદનાર ઇસમને ઉચી કિંમતમાં વેચાણ કરી એકબીજાની મદદગારીમાં મોંઘાદાટ મોબાઈલ ફોન ગુજરાત રાજ્ય બહાર વેપલો કરતા હતા.
- આ સ્નેચરો મુખ્યત્વે બાઈક પર મોબાઈલ ખેચી સરળતાથી ભાગી જવાય તેવા રસ્તાઓ પસંદ કરતા હતા
- પોતાનો પીછો કે સમાનો ન કરી શકે અને સરળતાથી ભાગી શકાય એ માટે ચાર રસ્તા, રસ્તાના વળાંક ઉપર, વોક વે ઉપર મોબાઈલ સ્નેચીગની જગ્યા પસંદ કરે છે
- જે લોકો મોબાઈલ રાખવામાં યોગ્ય કાળજી ન લેતા હોય અને સરળતાથી ખેચી શકાય એવા ટાર્ગેટને શોધવા રેકી કરતા હોય છે
- ચાલુ વાહન ઉપર મોબાઈલમાં વાત કરવી કે ડબલ સવારી, મહિલા ડબલ સવારી હોય, ચાર રસ્તા ત્રણ રસ્તા ઉપર ઉભા ઉભા મોબાઈલ ઉપયોગમાં વ્યસ્ત હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા
- 31 ગુનાઓ શોધાયા તેમાંથી ચાલતા જતાં હોય તેવા 14 મોબાઈલ સ્નેચીગની ઘટના. ચાલુ વાહનમાં વાત કરતા હોય તેવા 5, રીક્ષામાં બેસીને વાત કરતા હોય તેવા 6 અને રસ્તા ઉપર કે સર્કલ પર ઉભા ઉભા વાત કરતા હોય તેવા 6 લોકોના મોબાઈલ ચોરીના ગુના બંતા હતા.
સ્નેચીગનો સમય
આરોપીઓની ધરપકડ થઇ અને જે 31 ગુનાઓ શોધાયા છે તેમાંથી મુખ્યત્વે 16 બનાવો સવારે 6 થી 9 માં અને 15 બનાવો સાંજે 4 થી રાતે 10 વાગ્યા સુધીમાં બન્યા હોવાનું પોલીસ તપાસમાં હાલમાં બાહર આવ્યું છે.
બે પોલીસ કોન્સ્ટેબલનું રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું
મોબાઈલ ચોરી અને ચોરીના મોટા નેટવર્કને ઝડપી પાડવા પાછળ સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસ મથકના સર્વિલન્સ સ્ટાફના બે પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સાંભાભાઈ અને અર્જુન રાઘુભાઈ ને વિશેષ રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ આખા ઓપરેશનને પાર પાડવામાં સૌથી અહમ ભૂમિકા આ બંને પોલીસ કોન્સ્ટેબલે નિભાવી હતી.
સીસીટીવી નો અભ્યાસ કરવાથી લઈ તેઓને મળેલી અંગત બાતમીદાર થકી આરોપી સુધી પહોંચવા સફળતા અપાવી હતી. જેને લઇ સુરત પોલીસ કમિશનર દ્વારા આ બંને પોલીસ કોન્સ્ટેબલ 15,000 રૂપિયા રોકડા આપીને તેઓને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત આ આખા નેટવર્ક પકડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર પોલીસના અધિકારી ઝોન ફાઈવના ડીસીપી હર્ષદ મહેતા, ACP બી.એમ. ચૌધરી અને પીઆઈ અતુલ સોનરાને પણ વિશેષ પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરાયા હતા.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો