Surat : ચલથાણ નજીક ખાન પરિવારની કાર નહેરના ધસમસતા પાણીમાં ખાબકી, ફાયર વિભાગે ફિલ્મી સ્ટાઇલમાં તમામનું કર્યું રેસ્ક્યુ
મોડી રાત્રે 1.57 વાગ્યે ઘટના સ્થળે પહોંચેલા ડિંડોલી ફાયર વિભાગના લાશ્કરોએ નહેરના પિલ્લર સાથે અકસ્માતગ્રસ્ત કારમાંથી કાર ચાલક સહિત તમામ મહિલાઓના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
અંકલેશ્વરથી સેલવાસ જઈ રહેલા એક પરિવારની કાર (Car) મોડી રાત્રે ચલથાણ પાસે નહેરમાં ખાબકી હતી. સદનસીબે ઘટના અંગે ડિંડોલી ફાયર વિભાગને (Dindoli Fire Staff )જાણ થતાં યુદ્ધસ્તરે પરિવારના તમામે તમામ પાંચ સભ્યોનું રેસક્યુ કરવામાં સફળતા સાંપડી હતી. ગઈકાલે અંકલેશ્વરથી પોતાના વતન સેલવાસ તરફ જઈ રહેલી એક મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર (ડીએન 09 એચ 1599)ના ચાલકે ચલથાણ ખાતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેને પગલે કાર નહેરના ધસમસતા પાણીમાં ખાબકી હતી.
અચાનક ગોઝારા અકસ્માતને પગલે કારમાં સવાર ચાલક સહિત મહિલાઓ પણ હેબતાઈ ગયા હતા. મદદ માટેની ચીસો સાંભળીને ત્યાંથી પસાર થનારા રાહદારીએ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરી હતી. મોડી રાત્રે 1.57 વાગ્યે ઘટના સ્થળે પહોંચેલા ડિંડોલી ફાયર વિભાગના લાશ્કરોએ નહેરના પિલ્લર સાથે અકસ્માતગ્રસ્ત કારમાંથી કાર ચાલક સહિત તમામ મહિલાઓના રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
આ દરમ્યાન ચલથાણ ગામમાં દુર્ઘટના અંગે વાયુવેગે સમાચાર પ્રસરી જતાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં દોરડા બાંધીને ફાયર વિભાગના જવાનો દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને પગલે ચમત્કારિક રીતે ચાર મહિલા સહિત પાંચ વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.
અઢી કલાક સુધી જીવન – મરણ વચ્ચે સંઘર્ષ મોડી રાત્રે સેલવાસ તરફ જઈ રહેલા પરિવારના તમામ સભ્યોને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે તેઓનો આજે એક ગોઝારી દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થવાનો છે. રાત્રે 12 વાગ્યાની આસપાસ ચલથાણ કેનાલમાં કાર ખાબકતાં જ પરિવારના તમામ સભ્યોની નજર સામે મોત તાંડવ કરી રહ્યું હતું. સદનસીબે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીએ પરિવારના સભ્યોની ચીચીયારીઓ સાંભળીને સ્થાનિક પોલીસ અને ત્યારબાદ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.
જેને પગલે અઢીથી ત્રણ કલાક બાદ ડિંડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સમય દરમ્યાન નહેરના પિલ્લર સાથે દુર્ઘટનાગ્રસ્ત કારમાં સવાર પરિવારના તમામ સભ્યોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જીવસટોસટના આ ખેલમાં ડિંડોલી ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત બાદ જ્યારે પરિવારના તમામ સભ્યોને એક પછી એક રેસક્યુ કર્યું ત્યારે ઘટના સ્થળે હાજર મોટી સંખ્યામાં લોકોએ પણ ફાયર વિભાગના જવાનોની કામગીરીને બિરદાવી હતી.ચ
વીન્ડ શીલ્ડ તુટી જતાં પરિવારનો બચાવ હાઈવે પર દોડી રહેલી કાર જ્યારે અચાનક નહેરમાં ખાબકી તો પાણીના ધમસમતા પ્રવાહ વચ્ચે કારનો આગળનો કાચ (વીન્ડ શિલ્ડ) તુટી જવા પામ્યો હતો. જેને કારણે દુર્ઘટના દરમ્યાન કારમાં પાણી ભરાઈ જવા છતાં પણ પરિવારના સભ્યો શ્વાસ લઈ રહ્યા હતા. દુર્ઘટના સ્થળે હાજર ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો કારનો આગળનો કાર ન તુટ્યો હોત તો સંભવતઃ પરિવારના તમામ સભ્યો કારમાં ભરાયેલા પાણીમાં જ ડુબી જવાને કારણે મોતને ભેટ્યા હોત.
પરિવારના તમામ સભ્યોને સામાન્ય ઈજા અંકલેશ્વરથી સેલવાસ પોતાના ઘર તરફ જઈ રહેલા પતિ 50 વર્ષી અઝીમ ખાન, પત્ની 42 વર્ષીય સુમૈયા ખાન અને 21 વર્ષીય યુવતી સ્વેથા ખાન, 21 વર્ષીય આલિયા ખાન અને 18 વર્ષીય ફાહિમ ખાનને કાર અકસ્માતને પગલે સામાન્ય ઈજા થવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંકલેશ્વર ખાતે પાનોલીમાં સંબંધીને ઘરે પહોંચ્યા બાદ ગઈકાલે તેઓ પરત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને આ દરમ્યાન દુર્ઘટના સર્જાવા પામી હતી.
આ પણ વાંચો : Surat : હજીરામાં પાંચ વર્ષની બાળકીના બળાત્કાર હત્યા કેસમાં 20મીએ ચુકાદો સંભવ
આ પણ વાંચો : DELHI : GST અંગે કાપડમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, સુરતના ટેકસટાઇલ એસોસિએશનોને આમંત્રણ ન અપાયું