Surat : પુરવઠા ખાતા દ્વારા સીલ કરેલા મુદ્દામાલની ચોરી કરનારા બેની ધરપકડ કરતી કામરેજ પોલીસ
આરોપીઓ અન્ય બીજા કોઈ ગુનામાં (Crime ) સંડોવાયેલા છે કે કેમ તેમજ તેમના આ ગુનામાં બીજા કોઈની મદદગારી લીધી હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
કામરેજ (Kamrej ) તાલુકાના કોસમાડા (Kosmada ) ગામે આવેલા જાનકી વન નામના ફાર્મ હાઉસમાંથી ગત વર્ષ ડિસેમ્બર 2021માં પુરવઠા ખાતા દ્વારા સીલ (Seal ) કરવામાં આવેલા મુદ્દામાલની થયેલી ચોરીના આરોપીને કામરેજ પોલીસે 3.64 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના કોસમાડા ગામે આવેલા જાનકી વન ફાર્મ હાઉસમાંથી પકડાયેલા ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સહિતના અન્ય મુદ્દામાલને પુરવઠા ખાતા દ્વારા સીલ કરવામાં આવ્યો હતો.જે મુદ્દામાલ ચોરીના આરોપીને કામરેજ પોલીસે બાતમી અને હકીકતને આધારે રંગોલી ચોકડીથી સાયણ તરફ જતા રોડ પરથી ઝડપી લીધા હતા. કામરેજ પોલીસે પકડાયેલા આરોપી પાસેથી રિફીલિંગ મશીન,ઇલેક્ટ્રીક મોટર,લીવ ફાસ્ટ કંપનીનું ઇન્વેર્ટર,ફ્લેશ કંપનીની બેટરી, મહેન્દ્ર બોલેરો પીક ગાડી સહિત કુલ 3.64 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીની પૂછતાછ કરતા તેમણે તેમના નામ સુરતના વેડરોડ કતારગામ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 23 વર્ષીય રવિ રંગલાલ ખટીક તેમજ 32 વર્ષીય કાલુરામ લક્ષ્મણભાઈ ખીચીને પકડી પાડ્યા હતા. આ આરોપીઓએ પુરવઠા ખાતા દ્વારા સીલ કરવામાં આવેલા મુદ્દામાલની ચોરી કરીને ગંભીર ગુનો આચર્યો હતો.
કામરેજ પોલીસના જણાવ્યા પ્રમાણે પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે પકડાયેલા બાયોડીઝલના જથ્થા સહિતના અન્ય મુદ્દામાલને કામરેજના કોસમાડા ગામ ખાતે આવેલા જાનકી વન ફાર્મ હાઉસમાં સીલ કરીને મુકવામાં આવ્યો હતો. જેની ચોરી આ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી. કામરેજ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આ બંનેને સાયણ નજીકથી પકડી પડ્યા હતા. આરોપીઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેની કિંમત અંદાજે 3.64 લાખ રૂપિયા થવા જાય છે.
આરોપીઓ અન્ય બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેમજ તેમના આ ગુનામાં બીજા કોઈની મદદગારી લીધી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવા પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી છે. તપાસ દરમ્યાન બીજી માહિતી સામે આવી શકે છે. તેવું પોલીસે જણાવ્યું છે.