Surat : ગાર્ડનની જાળવણી પાછળનું ભારણ વધતા કોર્પોરેશન હવે બે મોટા બગીચા PPP ધોરણે આપશે
20 વર્ષ માટે પીપીપી ધોરણે ગાર્ડન ફાળવવામાં આવે તો મનપાને 16 કરોડની આવક થવા સાથે મનપાએ 20 વર્ષમાં જાળવણી પાછળ જે 30 કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે તે પણ બચી જશે.

શહેરીજનોને આનંદ પ્રમોદનું સ્થળ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા 22 એકરમાં ભેસ્તાન ખાતે એનએફઆઈ ગાર્ડન (Garden) બનાવવામાં આવ્યું છે. જયારે રાંદેરના ઉગત ખાતે 45 એકર જગ્યામાં બોટાનીકલ ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે. વર્ષે દહાડે બંને ગાર્ડનની જાળવણી પાછળ 1.50 કરોડનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
મનપાની આવકમાં વધારો થવા સાથે બંને ગાર્ડન પાછળ મનપાએ આર્થિક ભારણ સહન ન કરવું પડે તે માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ગાર્ડનનું સંચાલન કરાવવા માટે મનપાએ વિવિધ એજન્સી પાસે ઓફર મંગાવી હતી. આ બંને ગાર્ડન માટે મહાનગરપાલિકાને ત્રણ ત્રણ એજન્સીની ઓફર મળી હતી. જે પૈકી શહેરની એક જાણીતી સંસ્થાની 40-40 લાખની ઓફર વ્યાજબી જણાઈ આવતા આ સંસ્થાને ગાર્ડનની ફાળવણી કરવામાં આવી છે.
સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે આ સંસ્થાને બંને ગાર્ડન માટે વાર્ષિક 40-40 લાખની રોયલ્ટી મનપાને આપવાની તૈયારી દર્શાવી છે. જેને પગલે આ સંસ્થાને 20 વર્ષ માટે પીપીપી ધોરણે ગાર્ડનનું સંચાલન કરવાનું કામ આપવાનું વિચારવામાં આવી રહ્યું છે. એનએફઆઈ અને રાંદેરના બોટાનીકલ શહેરના સૌથી મોટા ગાર્ડન હોય વર્ષે દહાડે તેની જાળવણી પાછળ મનપાએ દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવો પડે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 20 વર્ષ માટે પીપીપી ધોરણે ગાર્ડન ફાળવવામાં આવે તો મનપાને 16 કરોડની આવક થવા સાથે મનપાએ 20 વર્ષમાં જાળવણી પાછળ જે 30 કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે તે પણ બચી જશે. પીપીપી ધોરણે ગાર્ડન ફાળવવામાં આવે તો મહાનગરપાલિકાને 20 વર્ષમાં કુલ 46 કરોડની આવક થશે. ગાર્ડનનું જે ક્ષેત્રફળ છે તેના 8 ટકા વિસ્તારમાં સંસ્થાને બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ બાંધકામનો ઉપયોગ કરીને સંસ્થા આવક ઉભી કરશે. મનપાએ ગાર્ડનના પ્રવેશની જે ફી નક્કી કરી છે. તેમાં કોઈપણ પ્રકારનો વધારો સંસ્થા કરી શકશે નહીં. નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાએ આર્થિક ભારણ સહન કરવું ન પડે અને મનપાના વિવિધ પ્રોજેક્ટોની જાળવણી યોગ્ય રીતે થાય તે માટે સુરત મનપા પીપીપી ધોરણે આગળ વધી રહે છે. ટ્રાફિક આઇલેન્ડ બાદ હવે મનપા મોટા ગાર્ડનનું પીપીપી ધોરણે જાળવણી કરવાની વિચારણા મનપા દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Surat : કોરોના પછી સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના કેસ થયા બમણા, SIT બનાવવા વેપારીઓની માંગ
આ પણ વાંચો : Surat : બુલેટ ટ્રેન રૂટની આસપાસના વિસ્તારોના વિકાસના આયોજન માટે જાપાન એમ્બેસીના કાઉન્સિલરે લીધી મુલાકાત