Surat Corona Update : સુરતમાં કોરોનાની સુધરતી સ્થિતિ, ફક્ત 15 દર્દી દાખલ, 2485 બેડ ખાલી
સુરતમાં હવે દિવસેને દિવસે કોરોનાની સ્થિતિ સુઘરતા વહીવટીતંત્રને મોટી રાહત થઇ છે. જોકે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શહેરીજનો હજી પણ કોરોના ગાઈડલાઇનનું પાલન કરે તે ખુબ જ જરૂરી છે.
Surat Corona Update : સુરત હવે કોરોનાથી સાજું થઈ રહ્યું છે. ચાર મહિના પછી સુરતમાં ફેબ્રુઆરી 2021 જેવી સુખદ સ્થિતિ જોવા મળી રહી છે. સિવિલ સ્મીમેરમાં હવે ફક્ત પંદર દર્દીઓ દાખલ છે અને 2485 બેડ ખાલી છે. ફેબ્રુઆરીમાં બંને હોસ્પિટલમાં મળીને 19 દર્દીઓ દાખલ હતા. જેમાં 15 દર્દી સિવિલ અને 4 દર્દી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ હતા. તે દરમિયાન કોરોનાની ત્રીજી લહેર આવી હતી અને શહેરની હાલત બદથી બદતર બની ગઈ હતી.
હાલના સમયે સિવિલ હોસ્પિટલમાં (civil hospital) કોરોનાના 12 દર્દીઓ દાખલ છે. જેમાંથી પાંચ દર્દીઓ બાઇપેપ પર અને ત્રણ દર્દીઓ ઓક્સિજન પર છે. વેન્ટિલેટર પર કોઈ દર્દી નથી. સ્મીમેર હોસ્પિટલમાં (smimmer hospital) ફક્ત 3 દર્દી દાખલ છે. તેમાંથી બે દર્દી વેન્ટીલેટર પર અને એક બાઇપેપ પર છે. ઓક્સિજન પર કોઈ દર્દી નથી.
આ વર્ષે એપ્રિલમાં બીજી લહેર દરમિયાન કોરોના પિક પર હતો. એપ્રિલમાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનના સૌથી વધારે 1400 દર્દીઓ દાખલ હતા. આ ઉપરાંત 400 થી 500 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. રોજ 80 થી 90 દર્દીઓના મોત થતા હતા જ્યારે 300 થી 400 દર્દીઓ ગંભીર હાલતમાં દાખલ થતા હતા.
હાલત એ થઈ ગઈ હતી કે સિવિલ હોસ્પિટલે દર્દીઓ લેવાનું બંધ કરી દીધું હતું. આવા જ હાલ સ્મીમેર હોસ્પિટલના પણ હતા. ત્યાં પણ દરરોજ 30 થી 40 દર્દીઓના મોત થતા હતા. રોજના 100 થી 150 દર્દી દાખલ થતાં હતાં. તે સમયે લગભગ 800 દર્દી ઓક્સિજન પર જ્યારે 100 થી વધુ દર્દીઓ વેન્ટિલેટર પર હતા.
રાહતની વાત એ છે જે આ સમયે કોરોનાનો પોઝિટિવિટી રેટ 0.025 ટકા છે. જ્યારે એપ્રિલમાં આ પોઝિટિવિટી રેટ છ થી આઠ ટકા સુધી પહોંચી ગયો હતો.
હવે શહેરમાં ચાર ઝોનમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. સુરતનો રિકવરી રેટ (Recover Rate) 98.49 ટકા નોંધાયો છે. એટલું જ નહીં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા પણ દિવસે ને દિવસે ઘટી રહી છે, જે વહીવટીતંત્ર માટે મોટી રાહત સમાન છે. જોકે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે શહેરીજનો હજી પણ કોરોના ગાઈડલાઇનનું પાલન કરે તે ખુબ જ જરૂરી છે.