Surat : દેશના ભાજપ શાસિત મેયર સંમેલનમાં સુરતના ચાર પ્રોજેક્ટોનું થશે પ્રેઝન્ટેશન
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા પોતાના શાસન દરમ્યાન થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી લઇ જવા કમર કસવામાં આવી રહી છે.
આગામી તારીખ 20-21 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, ગિફ્ટ સીટી (Gift City ) ખાતે દેશના વિવિધ રાજ્યોની ભાજપ (BJP) શાસિત મહાનગરપાલિકાઓના મેયરનું (Mayor )એક રાષ્ટ્રીય સ્તરના મેયર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ભાજપ દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સંમેલનમાં જોડાવવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા આયોજિત આ મેયર સંમેલનમાં દેશના ભાજપ શાસિત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરો ઉપસ્થિત રહેવાના છે. 19મીએ મોડી સાંજ સુધી તમામે ફરજીયાત અમદાવાદ પહોંચવાનું રહેશે. આ પ્રકારનું આયોજન કદાચ પહેલી જ વખત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંમેલનની પુર્ણાહુતી 21મી સપ્ટેમ્બરના રોજ થવાની છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી પણ સંભાવના છે. જોકે આ કાર્યક્રમની પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ ચાર પ્રોજેક્ટોનું થશે પ્રેઝન્ટેશન :
19 સપ્ટેમ્બરના રોજ તમામે રજીસ્ટ્રેશન કરાવીને સાંજ સુધી હાજરી આપવાની રહેશે. દેશના જે મુખ્ય શહેરોમાં ભાજપની સત્તા છે તે શહેરોના મુખ્ય ત્રણ ચાર પ્રોજેક્ટોનું પ્રદર્શન પણ આ મેયર સંમેલનમાં કરવામાં આવનાર છે. ત્યારે સુરત મહાનગરપાલિકા તરફથી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઐતિહાસિક કિલ્લો, ગ્રીન એનર્જી અને અર્બન મોબિલિટી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મેયર સંમેલનમાં મુકવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાળાને સુરત અંગે પ્રેઝન્ટેશન વખતે 10 થી 15 મિનિટ સુધી આ સંમેલનમાં બોલવાની તક પણ મળશે. નોંધનીય છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ દ્વારા પોતાના શાસન દરમ્યાન થયેલા વિકાસ કાર્યોને લોકો સુધી લઇ જવા કમર કસવામાં આવી રહી છે. અને આ સંમેલનનું આયોજન પણ આ જ હેતુથી કરવામાં આવી રહ્યું છે.