
સુરતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક સ્થિતિ બાદ હવે પાણી ઓસરતાં દુર્ઘટનાનું વધુ ભયાનક ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી વધુ 13 નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે પૂરમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ગયો છે. સતત મળી રહેલા મૃતદેહોને પગલે સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી છે, જ્યારે મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
લીંબાયત, ખરવાસા, સારોલી, ભેસ્તાન, અમરોલી અને વાલક પાટીયા સહિતના વિસ્તારોમાં પૂરની સૌથી વધુ અસર જોવા મળી હતી. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. ઝૂંપડપટ્ટીઓ ઉપરાંત અનેક રહેણાંક મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરક થઈ ગયા હતા, જેના કારણે અનેક લોકો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
હવે ધીમે ધીમે પૂરના પાણી ઓસરતાં કાદવ, કચરો અને પાણીના પ્રવાહની આસપાસથી મૃતદેહો મળી રહ્યા છે. બચાવ અને શોધખોળની કામગીરી દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી મૃતદેહો મળી આવતા મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા મૃતકોની ઓળખની પ્રક્રિયા તેમજ તેમના પરિવારજનો સુધી માહિતી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પૂર બાદ રાહત અને સફાઈ કામગીરી ચાલુ હોવા છતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ હજુ પણ કાદવ અને ગંદકીના થર જોવા મળી રહ્યા છે, જ્યારે પીવાનું પાણી, વીજ પુરવઠો અને અન્ય મૂળભૂત સુવિધાઓને લઈને લોકો પરેશાન છે. બીજી તરફ, સ્થાનિકોમાં તંત્રની પૂર્વ તૈયારી અને રાહત કામગીરીને લઈને પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રશાસન દ્વારા બચાવ, સફાઈ અને મૃતકોની ઓળખની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે તમામ વિસ્તારોમાં સતત સર્વે અને શોધખોળ ચાલી રહી છે જેથી કોઈ પણ વ્યક્તિ અંગેની માહિતી બાકી ન રહે.
આ પણ વાંચો- 10 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 9 ઈંચ વરસાદ, ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો
Published On - 9:19 am, Fri, 10 July 26