Surat : પાલ વિસ્તારમાં ઝાડ પર યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય
Surat News : યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો, તેને લઈ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉપજી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના પાલ વિસ્તારમાં આજે આંબાના ઝાડ સાથે એક યુવકનો ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ પોલીસને થતા પાલ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. યુવકનો મૃતદેહ જે રીતે ઝાડ પર લટકતી સ્થિતિમાં મળી આવ્યો હતો, તેને લઈ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રશ્ન ઉપજી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલ સ્થિત કેનાલ રોડ પાસે આવેલા ખેતરમાં એક આંબાના ઝાડ સાથે આજે એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. યુવકના મૃતદેહને લટકતો દેખાતા ઘટના સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. આ રીતે લટકતા મૃતદેહને જોઈ લોકોમાં ભારે ચકચાર મચી હતી. જેને લઇ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
યુવક અંગે જાણકારી મેળવવામાં આવી
ઘટના સ્થળે પોલીસ પહોંચીને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો અને યુવક વિશે તપાસ શરૂ કરી હતી. જ્યા પોલીસને જાણવા મળ્યું હતું કે મરનાર 30 વર્ષનો યુવક અનિશ ગોવિંદ પ્રસાદ શાહુ છે. તે મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અઠવાડિયા પહેલા જ સુરત ખાતે આવ્યો હતો. સુરતમાં રહેતા તેના પરિચિતો અને સ્વજનોના ઘરે રહેતો હતો. મધ્યપ્રદેશથી તે રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો.
હત્યા કે આત્મહત્યા ?
30 વર્ષીય અનિશ પ્રસાદ શાહુનો મૃતદેહ આંબાના ઝાડ સાથે જે રીતે લટકતો મળી આવ્યો છે, તે જોતા તેની મોત પાછળ અનેક રહસ્યો ઘેરાઈ રહ્યા છે. મરનાર યુવકના મૃતદેહ નજીકથી અનાજમાં નાખવાની દવા પણ મળી આવી છે. જેને લઇ આ યુવકની કોઈએ હત્યા કરી છે કે પછી આપઘાત કર્યો છે તે રહસ્ય છે. પાલ પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે યુવકના મૃતદેહ અંગે આત્મહત્યાનો ગુનો નોંધ્યો છે અને યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.