Surat: બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત, હવે સામાજિક કાર્યક્રમો માટે લોકોને અન્ય જગ્યાએ જવાની જરૂર નહીં પડે: મંત્રી નરેશ પટેલ
આ કાર્યક્રમમાં સરકારી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને આદિવાસી ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારમાં ભગવાન બીરસા મુંડાની યાદમાં એમના નામથી ઉમરપાડા ખાતે સાંસ્કૃતિક ભવન બનશે.

ગુજરાત (Gujarat )આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉમરપાડા ખાતે રૂા.2.63 લાખના ખર્ચે તૈયાર થનારા ભગવાન બિરસા મુંડા ભવનનું આદિજાતિ સાંસ્કૃતિક ભવનનું આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિસ્તારમાં નિર્માણ થઈ રહેલા સાંસ્કૃતિક ભવનમાં 400 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ કેમ્પસમાં લાઈબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સામાજિક કાર્યક્રમો માટે હવે બીજે જવાની જરૂર નહીં પડે
આ કાર્યક્રમમાં સરકારી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય અને આદિવાસી ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિસ્તારમાં ભગવાન બીરસા મુંડાની યાદમાં એમના નામથી ઉમરપાડા ખાતે સાંસ્કૃતિક ભવન બનશે. જેનાથી સામાજિક બેઠકો, કાર્યક્રમો માટે અન્ય સ્થળે જવું નહી પડે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આદિવાસી સમાજનું બાળક પોતાની સંસ્કૃતિ જળવાય રહે અને પોતાના જ વિસ્તારમાં સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવે માટે સરકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. જો જીવનમાં આગળ વધવું હોય તો શિક્ષણ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓને ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે દેશના રાષ્ટ્રપતિ એવા દ્રોપદી મૂર્મુજી ગરીબ ઘરમાં અભ્યાસ કરીને શિક્ષિકાની નોકરી મેળવ્યા બાદ રાજકીય ક્ષેત્રમાં આગળ વધી આજે દેશના રાષ્ટ્રપતિ બન્યા છે.
કુમાર શાળાનું પણ કર્યું લોકાર્પણ
આ બાદમાં તેઓએ ઉમરપાડા ખાતે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વાડી ગામમાં આવેલી નિર્માણાધીન સૈનિક સ્કૂલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા. તે પછી તેઓએ સુરત જિલ્લાના તરસાડી ખાતે આદર્શ નિવાસી કુમાર શાળામાં 20 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામેલ નવા મકાનનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આ શાળા થકી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા અને તેમને સારી સુવિધા સાથે શિક્ષણ આપવામાં ખુબ મદદ મળી રહેશે.