Surat: રો મટિરિયલના ભાવ વધવાથી 350 કાપડ મીલો મુશ્કેલીમાં
કોલસાના ભાવમાં 40 ટકા, હાઈડ્રોના ભાવમાં 45 ટકા, પોલીસોલના ભાવમાં 50 ટકા, એસિટિક એસિડના ભાવમાં 30થી 50 ટકા, સાઈટ્રિક એસિડના ભાવમાં 30થી 50 ટકા અને કોસ્ટિક સોડાના ભાવમાં પણ 30થી 40 ટકા જેટલો વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય (International) માર્કેટમાં કોલસા, કેમિકલ સહિતના રો મટિરિયલના ભાવો વધવા સાથે કાપડની પ્રોડક્શન (Production) કોસ્ટ ઊંચી જતાં પ્રોસેસર્સ એસો.એ જોબચાર્જમાં (job charge) 10 ટકા ભાવ તાત્કાલિક અસરથી એટલે કે 5 ફેબ્રુઆરીથી વધારવાની જાહેરાત કરી છે . એટલું જ નહીં વધતું નુકસાન અટકાવવા મીલોમાં 2 દિવસનો પ્રોડક્શન કાપ રાખવાની પણ જાહેરાત કરી છે.
પ્રોસેસર્સ એસો.ના અગ્રણી અને પાંડેસરા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે દિવાળી પછી રો મટિરિયલના ભાવો એટલી હદે વધ્યા કે જોબવર્ક પર મીલ ચાલી ન શકે. દિવાળી પછી કોલસાના ભાવમાં 40 ટકા, હાઈડ્રોના ભાવમાં 45 ટકા, પોલિસોલમાં 50 ટકા, એસિટિક એસિડ, સાઈટ્રીક એસિડ , કોસ્ટિક સોડામાં પણ 30 ટકાથી 50 ટકાનો વધારો થયો છે .
જેથી નાછૂટકે ભાવવધારો કરવો પડે તેમ હોવાથી સર્વાનુમતે જોબ ચાર્જમાં 10 ટકાનો ભાવવધારો કરવો પડ્યો છે . હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સુરત જિલ્લામાં આવેલી તમામ મિલોમાં એક અઠવાડિયામાં 2 દિવસની રજા રાખી પ્રોડક્શન ઉપર કાપ મૂકવામાં આવ્યો છે, જેની પાછળનું મૂળ કારણ રો – મટિરિયલ ઉપર થયેલો ભાવવધારો તથા માર્કેટની હાલની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં ટેક્સટાઈલ ઉદ્યોગોને ટકી રહેવું હોય તો નાછૂટકે ભાવવધારો કરવો ખૂબ અનિવાર્ય બની ગયો છે.
જે યુનિટો હાલની પરિસ્થિતિની બહાર નીકળવા માંગે છે, તેમને પોતાના એકમને મરણ પથારીથી ઉભો કરવા માટે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા લેવાયેલા આ નિર્ણયને માન આપીને કાર્ય કરશે તો જ ટકી શકશે એવું તમામ કમિટી સભ્યોનું માનવું છે.
SGTPAના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે દિવાળીની આસપાસ પણ SGTPA દ્વારા ભાવવધારો કરવામાં આવ્યો હતો. જોબ ચાર્જના ભાવ વધારામાં કેટલાક યુનિટો બાંધછોડ કરી હરીફાઈમાં ટકી રહેવા અંદરખાને ભાવ ઓછો કરી કામ કરે છે, તેવાં એકમોને સમજાવી ભાવવધારો કરવા સમજાવાશે અને જો પરિસ્થિતિ સુધરે તો એકમોને ફરજિયાત અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ બંધ રાખી પ્રોડક્શન કંટ્રોલ કરવા પણ જણાવવામાં આવશે . સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનની મેનેજિંગ કમિટીની મીટિંગમાં પાંડેસરા, સચિન , કોદરા, પલસાણા, ન્યૂ પલસાણા , ગુજરાત ઈકો ટેક્સટાઈલ પાર્કના પ્રતિનિધિઓ તથા કમિટી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
દિવાળી પછી કયા રો – મટિરિયલના કેટલા ભાવ વધ્યા?
કોલસાના ભાવમાં 40 ટકા, હાઈડ્રોના ભાવમાં 45 ટકા, પોલીસોલના ભાવમાં 50 ટકા, એસિટિક એસિડના ભાવમાં 30થી 50 ટકા, સાઈટ્રિક એસિડના ભાવમાં 30થી 50 ટકા અને કોસ્ટિક સોડાના ભાવમાં પણ 30થી 40 ટકા જેટલો વધારો થયો છે.
આ પણ વાંચો : Surat : હવે એરપોર્ટ પર બેરોકટોક ઘુસી નહીં શકાશે, CISF સિક્યોરિટી ખડકી દેવામાં આવી