Surat : દીકરીનું હડકવાના લક્ષણ બાદ મોત થતા પરિવારના 30 સભ્યો રસી લેવા પહોંચ્યા, જુઓ Video
શ્વાન કરડ્યું ત્યારે હડકવા વિરોધી રસીનો કોર્ષ પુરો કર્યો ન હતો અને હડકવાની અસર બાદ પણ પરિવાર જ્યોતિને અધુરી સારવાર છોડાવીને ઘરે લઈ ગયો હતો અને આખરે જ્યોતિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે.
સુરતમાં (Surat) શ્વાન કરડયા બાદ હડકવાના લક્ષણો દેખાયા બાદ યુવતીનું મોત થયુ છે. 6 મહિના પહેલા રખડતા શ્વાને બચકુ (Dog Bite )ભર્યા બાદ હડકવાની અસર જણાતા સિવિલમાં દાખલ કરાયી હતી. જો કે મોરાભાગળની યુવતીને ચાલુ સારવાર છોડી પરિવારના સભ્યો લઈ ગયા હતા. આખરે યુવતીએ દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ થતા પાલિકા દ્વારા પરિવારના સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ જવા જણાવ્યું હતું. જેથી આજે પરિવારના 30થી વધુ સભ્યો હડકવા વિરોધી રસી લેવા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો- Surat : રીક્ષામાં પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ભાઈ-બહેનની જોડી ઝડપાઇ
18 વર્ષીય જ્યોતિનું મોત
રાંદેર મોરા ભાગળ શાક માર્કેટ પાસે રહેતી 18 વર્ષીય જ્યોતિ બે-ત્રણ દિવસથી તબીયત ખરાબ થયા બાદ વિચિત્ર હરકતો કરતી હતી. જેથી બે દિવસ પહેલા સિવિલમાં ખસેડાયા બાદ તેને હડકવાની અસર થયાનું નિદાન કરાયું હતું. જોકે મોડી રાત્રે પરિવાર તબીબી સલાહ વિરૂધ્ધ રજા લઈ જ્યોતિને ઘરે લઈ ગયો હતો. આખરે સવારે જ્યોતિએ દમ તોડી દીધો હતો.
શ્વાન કરડ્યું ત્યારે હડકવા વિરોધી રસીનો કોર્ષ પુરો કર્યો ન હતો અને હડકવાની અસર બાદ પણ પરિવાર જ્યોતિને અધુરી સારવાર છોડાવીને ઘરે લઈ ગયો હતો અને આખરે જ્યોતિએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ જ્યોતિના ઘરે પહોંચી હતા. જેથી જ્યોતિના કોન્ટેક્ટમાં આવેલા પરિવારના તમામ સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા જણાવ્યું હતું.
પરિવારના 30થી વધુ સભ્યો રસી લેવા દોડ્યા
પાલિકાએ જાણ કર્યા બાદ આજે બાળકો સહિત જયોતિના પરિવારના 30થી વધુ સભ્યો એકસાથે હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જેથી સિવિલમાં હાજર લોકોમાં પણ કુતૂહલ ફેલાયું હતું. ત્યારબાદ પરિવારમાં તમામ સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
પરિવારના કંચનબેને નિવેદન આપ્યું
આ અંગે પરિવારના કંચનબેને જણાવ્યું હતું કે અમારી 18 વર્ષની દીકરીએ હડકવાના બે ડોઝ ઓછા લીધા હતા. જેથી તેનું મોત થયું છે. અત્યારે અમે પરિવારના 30 જેટલા સભ્યો હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા સિવિલ હોસ્પિટલ આવ્યા છીએ. પરિવારમાં બાળકો વધારે છે. અમને ખબર ન હતી કે અમારી દીકરીને આવું કંઈ થયું છે. પાલિકાવાળાએ અમને કહ્યું કે તમે બધા હડકવા વિરોધી ઇન્જેક્શનના તમામ ડોઝ લઈ લો.
આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે શ્વાન કરડ્યા બાદ હડકવા વિરોધી ઇન્જેક્શનના 5 ડોઝ હોય છે જે લેવા જરૂરી છે. જો આ ડોઝ લેવામાં ન આવે તો આ રીતની ઘટના પણ બની શકે છે. જેથી લોકોને અપીલ છે કે ડોગ બાઇટ બાદ હડકવા વિરોધી રસીના ડોઝ જરૂરથી લેવા. હાલ આ પરિવારના સભ્યોને હડકવા વિરોધી ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. કારણ કે તેમને પણ હડકવાની અસર થવાની શક્યતા રહેલી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો