સુરત 15 દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ, એક નાનકડા કાગળને આધારે ક્રાઈમબ્રાન્ચે હત્યારાને દબોચ્યો

Baldev Suthar

Baldev Suthar | Edited By: Mina Pandya

Updated on: Dec 14, 2022 | 9:15 PM

Surat: સુરત ક્રાઈમબ્રાન્ચે અમરોલીમાં 15 દિવસ પહેલા ચપ્પુના ઘા ઝીંકી થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. હત્યા કરાયેલા સ્થળે કોઈ સીસીટીવી ન હોવાથી હત્યારાને શોધવો મુશ્કેલ હતો પરંતુ માત્ર એક કાગળના આધારે પોલીસ હત્યારા સુધી પહોંચી છે.

સુરત 15 દિવસ પહેલા થયેલી મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ, એક નાનકડા કાગળને આધારે ક્રાઈમબ્રાન્ચે હત્યારાને દબોચ્યો
મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરત ક્રાઈમ બ્રાંચે સુરતના અમરોલી વિસ્તારમાં 15 દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઈન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. જો કે પોલીસે માત્ર એક નાનકડી કડીના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો છે.

ઉડિયા ભાષાના એક કાગળના આધારે પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ

મહિલાની હત્યા કરાયેલી લાશ જે જગ્યાએ મળી હતી તે જગ્યાની આસપાસ કોઈ સીસીટીવી ન હોવાના કારણે પોલીસ માટે મહિલાની ઓળખ તેમ જ હત્યારાની ઓળખ કરવી પણ એક ચેલેન્જ રૂપ હતું. જો કે પોલીસને મહિલા પાસેથી મળેલ એક કાગળમાં ઉડિયા ભાષામાં લખાણ હોવાના કારણે અંદાજો લગાવ્યો હતો કે મહિલા ઓરિસ્સાથી આવી હોઈ શકે. ત્યારબાદ પોલીસે તે વિસ્તારના તેમજ રેલ્વે સ્ટેશનના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું.

જેમાં રેલ્વે સ્ટેશનના સીસીટીવીમાં આ મહિલા એક યુવક સાથે આવતી દેખાઈ હતી. જેને પગલે સીસીટીવીના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે આ યુવક જગન્નાથ ગૌડાને ઊંચકી લીધો હતો. તેની પૂછપરછ કરતા તેણે આ યુવતીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધ ના કારણે તેણે આ હત્યા કરી હતી.

પ્રેમ સંબંધમાં કંટાળેલા યુવકે મહિલાની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી

સુરત પોલીસની પૂછપરછમાં જગન્નાથે જણાવ્યું હતું કે તે કોસાડ આવાસ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનીદાસ સાથે તેને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ મહિલા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી. જેથી બંને વચ્ચે ટેલીફોનિક સંપર્કો ચાલુ હતા. છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરી રહી હતી. તેમજ પૈસાની પણ માંગણી કરી રહી હતી. જેથી આખરે કંટાળીને 15 દિવસ અગાઉ જગન્નાથ ઓરિસ્સા ગયો હતો અને મહિલાને ટ્રેન મારફતે સુરત લઈને આવ્યો હતો.

સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલા પર ઉપરા છાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી એટલો ચાલાક હતો કે તેને ખબર હતી કે ખેતરની આસપાસ કોઈ સીસીટીવી લાગેલા નથી. તેનો લાભ લઈને તેણે હત્યા માટે આ જગ્યા પસંદ કરી હતી.

આરોપીની ચાલાકીને કારણે પ્રથમ તો પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી. કારણ કે આસપાસ કોઈ સીસીટીવી કે કોઈ જોનાર ન હોવાના કારણે હત્યારાનું કોઈ પગેરું મળી રહ્યું ન હતું. પરંતુ માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati