ગુજરાતમાં 5 હજાર ઝુંપડા તોડવા સામે સુપ્રિમ કોર્ટનો સ્ટે, યથાસ્થિતિ જાળવી રાખવા રાજય સરકારને નિર્દેશ
સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં 5 હજાર ઝુંપડીઓ તોડવા અંગે રોક લગાવી છે. અને, રાજય સરકારને યથાસ્થિતિ બનાવી રાખવા નિર્દેશ કર્યા છે. આ મામલે સુપ્રિમ કોર્ટે રાજય સરકારને નોટીસ પાઠવી છે. આવતીકાલે સમગ્ર મામલે ફરી સુનાવણી હાથ ધરાશે.
સુરત રેલવે ટ્રેક પાસે થઈ રહેલા મેગા ડિમોલિશન મુદ્દે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. તારીખ 25 સુધી વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી આ ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર સ્ટે લાવવામાં આવ્યો છે. આ માહિતી સુરતના એડવોકેટ ઝમીર શેખ દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી.
ઉતરાણ, સુરત, ઉધના, ભેસ્તાન રેલવે ટ્રેકના કિનારે વર્ષ 1909 પહેલા કુલ 24 સ્લમ એરિયા આવેલા હતા. જેમાં કુલ 9 હજાર પરિવારો રહી રહ્યા છે. આ તમામે રેલવેની જગ્યા પર કબ્જો કરેલો છે. જેને લઈને વર્ષ 2014માં પણ રેલવે દ્વારા તેમને જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તે વખતે કોંગ્રેસ સરકારની દરમ્યાનગિરી અને કોર્ટમાં અરજીના કારણે કોર્ટે રૂટ ઓર્ડર આપી દીધો હતો.
21 ઓગસ્ટ,2021ના રોજ આ ગેરકાયદે દબાણ માટે ફરી સુનાવણી થઇ હતી. જેમાં કોર્ટે રેલવેના પક્ષમાં ફેંસલો લઇ જગ્યા તાત્કાલિક ખાલી કરવા આદેશ આપ્યો હતો. જેથી રેલવેના પેન્ડિંગ પ્રોજેક્ટ પૂર્ણ થઇ શકે. સુરત ઉધના વચ્ચે થર્ડ લાઈન રેલવેનું કામ અટકેલું છે. જેમાં આ ગેરકાયદે બાંધકામ નડતરરૂપ થઇ રહ્યું છે.
જોકે છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહેતા આ પરિવારોને લઈને રેલવે મંત્રી દર્શના જરદોષ અને પાલિકાને પણ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં માનવતાની દ્રષ્ટિએ આ ડિમોલિશન ન કરવા માંગ કરવામાં આવી હતી. અને જો ડિમોલિશન થાય તો તેઓને શહેરી ગરીબ આવાસ યોજનામાં સમાવેશ કરીને તેમને વૈકલ્પિક આવાસ આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
આ અસરગ્રસ્તો વર્ષોથી પાલિકાને ટેક્સ આપતા આવ્યા છે. તેમની પાસે બધા જ પુરાવાઓ પણ છે. કોર્પોરેશન દ્વારા તેઓને રોડ, રસ્તા, ગટર, જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
જેને ધ્યાનમાં રાખીને આજે રેલવે દ્વારા આ ઝુંપડપટ્ટીઓનું મેગા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે આજે ફરી તેના પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. સુપ્રીમે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે આવતીકાલે વધુ સુનાવણી થાય ત્યાં સુધી ડિમોલિશન સ્થગિત રાખવામાં આવે.