Smart City Surat: સ્માર્ટ સીટી કોન્ફરન્સ આ વર્ષે સુરતમાં યોજાશે, દેશના 100 સ્માર્ટ શહેરો ભાગ લેશે
સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3,003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે અને કુલ રૂ. 1,717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
સ્માર્ટ સિટી (Smart City ) મિશનની શરૂઆત વર્ષ 2015થી થઈ છે. સ્માર્ટ સિટી મિશનમાં દેશના 100 સ્માર્ટ શહેરોનો સમાવેશ કરાયો છે. જેમાં સુરત (Surat )શહેર પણ છે. સ્માર્ટ સિટીની દર વર્ષે વિવિધ શહેરોમાં કોન્ફરન્સ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સુરત શહેરમાં આ કોન્ફરન્સ થશે અને દેશના તમામ 100 સ્માર્ટ શહેરો સુરતમાં આવશે, તેમજ મિનિસ્ટ્રી ઓફ અર્બન હાઉસીંગ અફેર્સના મંત્રીઓ પણ હાજર રહેશે.
સુરતમાં તારીખ 17, 18 અને 19 એપ્રિલના દિવસે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આ કોન્ફરન્સ યોજાશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે માટે બુધવારે સુરત મનપા મુખ્ય કચેરી ખાતે મીટિંગ પણ યોજવામાં આવી હતી અને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષની કોન્ફરન્સ ‘મિશન ટ્રાન્સફોર્મ નેશન’ની થીમ પર હશે, આ કોન્ફરન્સમાં મુખ્ય પાંચ મુદ્દાઓ આવરી લેવાશે . જેમાં (1) ડીજીટલ ગર્વનન્સ,(2) રી – ઈમેજીંગ પબ્લીક પ્લેસીસ, (3) ઈનોવેશન (4) સ્માર્ટ ફાયનાન્સ(પીપીપી), (5)ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ.
સુરત મનપા તેમજ સ્માર્ટ સિટી સુરત દ્વારા તમામ 100 સ્માર્ટ શહેરો પાસેથી આ પાંચ મુદ્દાઓને લગતા પ્રોજેક્ટની વિગતો એકત્રિત કરવામાં આવશે અને કોન્ફરન્સમાં આ પાંચ થીમના પ્રોજેક્ટો પર વિગતો શેયર કરવામાં આવશે. જેથી તમામ સ્માર્ટ શહેરો આ પ્રોજેક્ટોની વિગતોની આપ – લે કરી શકશે.
સુરત મનપા દ્વારા આ પાંચેય થીમ પરના પ્રોજેક્ટના લાઈવ ડોમેસ્ટ્રેશન પણ આપવામાં આવશે તેવી તૈયારી કરવામાં આવી છે. દરમિયાન સરસાણા કન્વેશન સેન્ટર ખાતે પરિષદ યોજાશે, જેમાં શહેરી આવાસના કેન્દ્રીય મંત્રી સહિત 100 શહેરોના પ્રતિનિધિ હાજર રહેશે.
આ કોન્ફરન્સ માટે વિવિધ સ્થળો જોયા હતા, જેમાં સરસાણા ડોમ, સુરત કિલ્લો, ઉધના ખાતે આવેલ સુરતી આઇલેબ, ફોરેસ્ટ ક્લબ, સાયન્સ સેન્ટર આ સ્થળોની વિઝીટ લીધી હતી. જે પૈકી કોઈપણ એક સ્થળે સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.
સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3,003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે અને કુલ રૂ. 1,717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને કુલ રૂ. 1,205 કરોડના 14 પ્રોજેકટની કામગીરી હાલમાં ચાલી રહી છે. સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સમાં દેશભરના વિવિધ 100 સ્માર્ટ શહેરોના 500 જેટલા મહેમાનો સુરતમાં આવશે. જેમાં દરેક શહેરના મેયર, મનપા કમિશનર અને સેક્રેટરી સહિતના લોકો આવશે.
આ પણ વાંચો : Surat: ગ્રીષ્મા હત્યા કેસનો આરોપી ફેનીલ કોર્ટમાં બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયો, સ્વસ્થ થતાં ફરી કોર્ટમાં લઈ જવાયો