સુરતીઓને વધુ એક ભારણ, હવે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માટે પણ જીએસટી ભરવા રહો તૈયાર
હાલના તબક્કે શહેરના તમામ તરણકુંડોમાં 2041 જેટલા સભ્યો નોંધાયા છે. જેઓ પાસેથી 18 ટકા જીએસટી લેવામાં આવે તો વાર્ષિક માત્ર 684 રૂપિયાનું ભારણ વધી શકે છે. જો કે, આ નિર્ણયને પગલે મનપાની તિજોરીને વર્ષેદહાડે 14 લાખથી વધુની આવકની શક્યતા છે
સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હવે શહેરમાં મનપા સંચાલિત તરણકુંડોમાં(Swimming Pool ) શહેરીજનો પાસેથી પણ પ્રવેશ ફી સહિત 18 ટકા જીએસટી વસુલ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જે માટે વિભાગ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સુરત મહાનગર પાલિકા દ્વારા હાલ 17 સ્વીમિંગ પુલોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલના તબક્કે 2041 સભ્યો નોંધાયા છે. આ તમામ સભ્યો પાસેથી હવે ત્રિ-માસિક, છ માસિક અને વાર્ષિક ફી પર 9 ટકા એસજીએસટી અને 9 ટકા સીજીએસટી મળી કુલ્લે 18 ટકા જીએસટી વસુલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ નિર્ણયને પગલે હાલ સુરત મહાનગર પાલિકાને વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાની આવક થઈ શકે તેમ છે. જો કે, તરણકુંડના સભ્યો દ્વારા આ નિર્ણયનો નિશ્ચિતપણે વિરોધ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શાસકો દ્વારા એક્વેરિયમ અને સરથાણા પ્રાણી સંગ્રાહાલયમાં મુલાકાતીઓના પ્રવેશ શુલ્ક પર પણ જીએસટી વસુલ કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં ભારે વિરોધની શક્યતાને ધ્યાને રાખીને આ વિવાદિત દરખાસ્ત અભરાઈ પર ચઢાવી દેવામાં આવી હતી. હવે વધુ એક વખત તરણકુંડનો લાભ લેનારા નાગરિકો પાસેથી સભ્ય ફી સાથે 18 ટકા જીએસટીની રકમ વસુલ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવશે કે આ દરખાસ્તનું પણ બાળમરણ થશે તે અંગે શંકા – કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોના બાદ સભ્યોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારોમાં નાગરિકો માટે નજીવા દરે તરણકુંડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. હાલ વહીવટી તંત્ર દ્વારા સંચાલિત 17 તરણકુંડમાં 2041 સભ્યોની નોંધણી થવા પામી છે. જો કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે આ સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. એક તબક્કે શહેરભરના તમામ તરણકુંડોમાં અંદાજે ચાર હજારથી વધુ સભ્યો નોંધાયા હતા. અલબત્ત, આગામી દિવસોમાં આ સંખ્યામાં વધારો જોવા મળે તે નિશ્ચિત છે.
હાલ તરણકુંડોમાં 50 ટકાની કેપિસીટીથી પ્રવેશ
કોરોના મહામારી દરમ્યાન મોટા ભાગનો સમય તરણકુંડો બંધ રહેવા પામ્યા હતા. બીજી તરફ હવે કોરોના મહામારી પર મોટા ભાગે અંકુશ મેળવ્યા બાદ હાલ તમામ તરણકુંડોમાં 50 ટકાની કેપિસિટીથી સભ્યોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કે, એપ્રિલ મહિના બાદ સંભવતઃ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા પુનઃ શહેરના તમામ તરણકુંડોને 100 ટકા કેપિસીટી સાથે શરૂ કરવા માટે લીલી ઝંડી આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
વર્ષે 14 લાખથી વધુની આવકનો અંદાજઃ સ્વાતિ દેસાઈ
સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વાતિબેન દેસાઈ દ્વારા આ સંદર્ભે વધુ માહિતી આપતાં જણાવાયું હતું કે, હાલના તબક્કે શહેરના તમામ તરણકુંડોમાં 2041 જેટલા સભ્યો નોંધાયા છે. જેઓ પાસેથી 18 ટકા જીએસટી લેવામાં આવે તો વાર્ષિક માત્ર 684 રૂપિયાનું ભારણ વધી શકે છે. જો કે, આ નિર્ણયને પગલે મનપાની તિજોરીને વર્ષેદહાડે 14 લાખથી વધુની આવકની શક્યતા છે અને ભવિષ્યમાં સભ્યોની સંખ્યામાં વધારા સાથે આ આવકમાં પણ નિશ્ચિતપણે વધારો થઈ શકે છે.
આ પણ વાંચો :