Surat : આ દિવાળી કોઈ ભૂખ્યું નહીં સુવે, સુરતમાં સોશિયલ મીડિયામાં શરૂ થઇ અનોખી પહેલ
દિવાળી અન્યોના જીવનમાં અજવાશ પાથરવાનું પણ પર્વ છે. આ વર્ષે અમે નક્કી કર્યું છે કે આ દિવાળી પર કોઈ ભૂખ્યું નહીં ઊંઘે, અને આ જ કારણથી અમે આ નવી પહેલ શરૂ કરી છે. આજે સોશિયલ મીડિયા ખુબ ઝડપી બની રહ્યું છે.
હાલ દેશભરમાં દિવાળીના(Diwali ) પર્વની ઉજવણી થઇ રહી છે. દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ(Light ) અને ખુશીઓ(Happiness ) તરફ લઇ જનારું પર્વ. આ દિવસે ચારે કોર ખુશી, ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે છે. લોકો પોતાના પરિવાર, સગા સબંધી અને મિત્રો સાથે દિવાળી અને નવા વર્ષના તહેવારની ઉજવણી કરે છે. અને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ત્યારે આ તહેવારે બીજાના જીવનમાં પણ ખુશીઓ ભરવાના ઉમદા આશય સાથે સુરતના સોશિયલ મીડિયામાં એક અનોખી પહેલ કરવામાં આવી છે.
જેમાં જો કોઈ સુરતી કોઈ ગરીબ પરિવાર કે દિવ્યાંગની મદદ કરવા ઇચ્છતું હોય, તેમની ભૂખ સંતોષવા માંગતું હોય તો તેઓએ કોફી શોપમાં જઈને આ ઈચ્છા દર્શાવવાની રહે છે. તે બાદ મદદ કરવા માંગતી વ્યક્તિને કોઈપણ બીજો સવાલ કર્યા વગર બર્ગરની સાથે કેટલીક મીઠાઈઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. સુરતના સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલા આ ઇનીસેટીવને લોકોનો ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
સોશિયલ મીડિયાથી પહેલ રંગ લાવી :
દર દિવાળીએ આ પ્રકારની પહેલ કરતા કેયુર મોદી જણાવે છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી અને નવા વર્ષના પર્વ પર આ પ્રકારના કાર્યોમાં જોડાયેલા છે. તેઓ વધુમાં જણાવે છે કે દિવાળી અન્યોના જીવનમાં અજવાશ પાથરવાનું પણ પર્વ છે. આ વર્ષે અમે નક્કી કર્યું છે કે આ દિવાળી પર કોઈ ભૂખ્યું નહીં ઊંઘે, અને આ જ કારણથી અમે આ નવી પહેલ શરૂ કરી છે. આજે સોશિયલ મીડિયા ખુબ ઝડપી બની રહ્યું છે, જેથી અમે તેનો સહારો લીધો છે. અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ અભિયાનને ઉપાડ્યું છે.
મદદની ભાવના સાથે સુરતીઓ આગળ આવી રહ્યા છે :
લોકો જયારે કોફી શોપમાં જઈને કોઈ ભુખ્યાને જમાડવાની ઈચ્છા દર્શાવે છે ત્યારે તેમને કોઈપણ સવાલ પૂછવામાં આવતો નથી, વધુમાં તેઓને બર્ગર, અન્ય ફૂડની સાથે મીઠાઈઓ પણ આપવામાં આવે છે, જે આ દિવાળીમાં ગરીબ પરિવારના જીવનમાં મીઠાશ લાવવાનું કામ કરશે. સાથે જ અમે તેમને અન્ય એક વ્યક્તિને આમાં નોમિનેટ કરવાનું પણ કહી રહ્યા છે. જેથી વધુને વધુ લોકો અમારી આ મુહિમમાં અમારી સાથે જોડાય. સુરતીઓ કે જે હંમેશા મદદની ભાવના માટે જાણીતા છે તેમનો પણ ખુબ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે.