નવા વર્ષના પ્રારંભે Dy.CM હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીઓની કામગીરીને બિરદાવવાની સાથે તેમને મહત્વની શીખ પણ આપી હતી. વિક્રમ સંવતની પરંપરા અને ગુજરાતના વિકાસની વાત કરતા તેમણે પોલીસ, GSRTC, મનપા અને ફાયર વિભાગના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આ તમામ કર્મચારીઓની મહેનતને કારણે જ નાગરિકો પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકે છે. આ સાથે તેમણે કર્મચારીઓને ફરજ દરમિયાન સામાન્ય નાગરિકો પ્રત્યે સંવેદનશીલ રહેવાનો સંદેશ પણ આપ્યો હતો.
Dy.CM હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તહેવારોમાં લોકો પરિવાર સાથે ઉજવણી કરી શકે તે માટે પોલીસ અગાઉથી જ સુરક્ષા બંદોબસ્ત ગોઠવે છે. GSRTCના ડ્રાઇવર અને કંડક્ટર લાખો લોકોને તેમના વતન સુધી પહોંચાડવા ફરજ બજાવે છે. જ્યારે દિવાળીની રાત્રે શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટ્યા હતા. સ્થિતિ એવી હતી કે ડામર કરતાં ફટાકડાના કાગળ વધુ જોવા મળતા હતા. તેમ છતાં સફાઈ કર્મચારીઓએ આખી રાત મહેનત કરીને સવાર સુધી શહેરને સ્વચ્છ કરી દીધું હતું.
તેમણે ફાયર વિભાગની કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આગની એક ઘટના સામે આવે છે, પરંતુ ફાયર વિભાગની ટીમો કેટલાય કલાકો સુધી આગ સામે લડીને લોકોના જીવ બચાવવા મહેનત કરતી હોય છે. તેમની આ કામગીરીનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આ તમામ કર્મચારીઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે છે ત્યારે જ રાજ્યના નાગરિકો શાંતિથી તહેવારો ઉજવી શકે છે.
કર્મચારીઓને સંબોધિત કરતાં Dy.CM હર્ષ સંઘવીએ ફરજ અને લોકો પ્રત્યેની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અધિકાર ભલે ન આપો, પરંતુ કોઈ સામાન્ય નાગરિકની હાય ક્યારેય ન લેતા. અધિકારી કે ગૃહમંત્રીથી કોઈ વાત છુપાવી શકાય છે, પરંતુ કર્મોનાં ફળથી બચી શકાતું નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ પોતે પણ લોકોના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. પોલીસ કમિશનર દ્વારા આશીર્વાદ આપવાની વાતનો ઉલ્લેખ થતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આશીર્વાદ આપવાની ઉંમરે નથી, પરંતુ ટીમના સભ્ય તરીકે સાથે મળીને કામ કરનારા વ્યક્તિ છે.
નાયબ મુખ્યમંત્રીએ પોતાના કાર્ય કરવાની પદ્ધતિ અંગે વાત કરતાં કહ્યું કે, તેઓ હંમેશાં ટીમ સાથે મળીને કામ કરવામાં માને છે. કામના ભાગરૂપે ક્યારેક કડકાઈ પણ રાખવી પડતી હોય છે, પરંતુ તેમના મનમાં આ કડકાઈ માત્ર કામ પૂરતી જ હોય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે તેમણે ક્યારેય દુર્ભાવના રાખી નથી અને ભવિષ્યમાં પણ રાખશે નહીં. હર્ષ સંઘવીએ નવા વર્ષના કાર્યક્રમમાં કર્મચારીઓની કામગીરીને બિરદાવવાની સાથે નાગરિકો પ્રત્યે સંવેદનશીલ રહેવાનો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Published On - 8:26 pm, Mon, 9 November 26