Gujarati Video: સુરતમાં ટોરેન્ટ પાવરના બાકી વેરાને લઈને વિવાદ, ધારાસભ્ય અરવિંદ રાણાએ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો પત્ર
Surat: ટોરેન્ટ પાવરના બાકી વેરાને લઈને વિવાદ સામે આવ્યો છે. આ બાબતે ધારાસભ્ય અરવિંદ રાણાએ ટોરેન્ટ કંપનીના સબ સ્ટેશન અને વહીવટી ભવનને સીલ કરવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.

સુરતમાં ટોરેન્ટ પાવરના બાકી વેરાને લઈ વિવાદ સર્જાયો છે. વેરો બાકી હોવાથી મહાનગરપાલિકાએ ખોદકામની પરવાનગી નથી આપી. જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. આ બાબતે ધારાસભ્ય અરવિંદ રાણાએ ટોરેન્ટ કંપની (Torrent)ના સબ સ્ટેશન અને વહીવટી ભવન સીલ કરવા મ્યુનિસિપલ કમિશનર પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે- ટોરેન્ટના વેરા બિલો બાકી હોવાથી નવા જોડાણ પૂર્વે રસ્તા ખોદકામની પરવાનગી ન અપાતાં લોક સમસ્યા બમણી થઈ ગઈ છે.
સોસાયટીઓની રજૂઆત છે કે- ટોરેન્ટે તેમની પાસે સબ સ્ટેશન માટે જગ્યા માગી હતી. જો કરાર પર સહી ન કરાય તો પાવર આપવાનો ઈનકાર કરાતો હતો. અરવિંદ રાણાએ આક્ષેપ કર્યો કે, ‘ટોરેન્ટ કંપનીએ લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવ્યો છે. એકતરફી લખાણ કરાવી, પાલિકા અને સોસાયટી સાથે વિવાદ ઊભો કર્યો છે. આવું ગુનાહિત કૃત્ય કરીને પાલિકાના કરોડો ચૂકવવામાં આનાકાની કરે છે.’ જેથી ટોરેન્ટ કંપનીના આવા તમામ સબસ્ટેશનો સીલ કરવા જોઈએ.
ધારાસભ્ય અરવિંદ રાણાએ ટોરેન્ટ પાવર સ્ટેશન નો 7 કરોડ રૂપિયાનો વેરો બાકી હોવાનું જણાવતા મહાનગરપાલિકાને પત્ર લખી ટોરેન્ટ પાવરના તમામ સબ સ્ટેશન સીલ કરી દેવા અને વહીવટી ભવનને સીલ કરી દેવાની એ માંગ કરી છે. સામાન્ય લોકોનો વેરો બાકી હોય તો મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તો સાત કરોડની માતબર રકમ ભરાઈ ન હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાનું જણાવ્યુ હતું.
ટોરેન્ટ પાવર કંપનીનો 10 વર્ષનો વેરો બાકી
સુરતમાં ટોરેન્ટ પાવર કંપની શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પૂરો પાડે છે. અને જુદા જુદા વિસ્તારોમાં તેના સબ સ્ટેશનો આવ્યા છે. ત્યારે ટોરેન્ટ પાવર કંપની દ્વારા સુરત મહાનગરપાલિકાને દર વર્ષે વેરો ચૂકવવાનો હોય છે. પરંતુ ટોરેન્ટ પાવર કંપની છેલ્લા દસ વર્ષથી મહાનગરપાલિકાને વેરો ચુકવતી નથી. ધારાસભ્ય આ બાબતે બ્ગડયા હતા અને કહ્યું ટોરેન્ટ પાવર કંપનીનો સુરત મહાનગરપાલિકાને સાત કરોડથી વધુનો વેરો ચૂકવવાનો બાકી છે.
ધારાસભ્ય અરવિંદ રાણાએ મનપાને પત્ર લખ્યો
સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા ટોરેન્ટ પાવર કંપની સામે કડક કાર્યવાહી કરવા અંગેનો પત્ર લખવામાં આવ્યો છે. પોતાના મતવિસ્તારમાં આવતી ટોરેન્ટ પાવર કંપનીની મનમાની અને બાકી વેરા હોવાની જાણ થતા ધારાસભ્યનો લેટર બોમ્બ બની સામે આવ્યો હતો. ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મહાનગરપાલિકાને પત્ર લખીને ટોરેન્ટ પાવર કંપની સામે કડક કાર્યવાહી અને પગલાં ભરવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : Surat: વેસુમાં 12 વર્ષની કિશોરીને વિધર્મી યુવકે ભગાડી બળાત્કાર ગુજાર્યો, પોલીસે યુવકની કરી ધરપકડ
ટોરેન્ટ પાવર ભવનને સીલ કરવાની માંગ
ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા સુરતના ટોરેન્ટ પાવર કંપનીને સીલ કરવાની માંગ મહાનગરપાલિકાને પત્ર લખી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે ટોરેન્ટ પાવર કંપની દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં સબ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેગમપુરા વિસ્તારમાં ટોરેન્ટ પાવર સ્ટેશનનું વહીવટી ભવન આવ્યું છે. ત્યારે આ સબ સ્ટેશન અને વહીવટી ભવનનો વેરો ટોરેન્ટ પાવર દ્વારા સુરત મહાનગરપાલિકાને ચૂકવવાનો હોય છે. જે છેલ્લા દસ વર્ષથી 7 કરોડથી વધુની રકમનો વેરો બાકી હોવાનું જાણવા મળ્યું છે. દસ વર્ષ સુધીનો વેરો બાકી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાથી તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બાકી વેરાને લઈ ટોરેન્ટના વહીવટી ભવન અને તેના સબ સ્ટેશન સીલ કરવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો