Surat: સિવિલ હોસ્પિટલમાં અદ્યતન તબીબી મશીનરી સેવાઓ શરુ કરવા ઉઠી માગ, ધારાસભ્ય વિવેક પટેલે સંકલન બેઠકમાં કરી રજૂઆત
સુરત (Surat) જિલ્લા સંક્લન બેઠકમાં ધારાસભ્ય વિવેક પટેલે (MLA Vivek Patel) સિવિલ હોસ્પિટલમાં અદ્યતન એમ.આર.આઈ. મશીન ઉપલબ્ધ થાય તેમજ પીડીયાટ્રીક, પ્લાસ્ટીક સર્જરી, ન્યુરો સર્જરી જેવા વિભાગો શરૂ કરવા અંગેની રજુઆત કરી હતી.
સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલ (New Civil hospital) માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ પડોશી રાજ્ય માટે પણ આર્શીવાદ રૂપ પુરવાર થઈ રહી છે. ત્યારે હવે અહીં દર્દીઓની (Patients) સંખ્યામાં વધારો થતો હોવાથી અદ્યતન એમ.આર.આઈ. મશીન તેમજ પીડીયાટ્રીક, પ્લાસ્ટીક સર્જરી અને ન્યુરો સર્જરી જેવા વિભાગો સરકારી ધોરણે શરૂ કરવાની માગ ઉઠી છે. ધારાસભ્ય વિવેક પટેલ દ્વારા સંકલનની બેઠકમાં આ અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા સંક્લન બેઠકમાં ધારાસભ્ય વિવેક પટેલે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન એમ.આર.આઈ. મશીન ઉપલબ્ધ થાય તેમજ પીડીયાટ્રીક, પ્લાસ્ટીક સર્જરી, ન્યુરો સર્જરી જેવા વિભાગો શરૂ કરવા અંગેની રજુઆત કરી હતી. વિવેક પટેલે જણાવ્યું હતુ કે નવી સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે પણ ત્યાં સરકારી ધોરણે આ સુવિધાઓ શરૂ થાય તો મોટી રાહત મળશે. હાલમાં સિવિલમાં છાયડો સંસ્થા દ્વારા એમ.આર.આઈ મશીનની સુવિધા પુરી પાડવામાં આવે છે, તેના સ્થાને સરકારી હોસ્પિટલમાં સરકારી વિભાગ જ શરૂ થાય તો દર્દીઓને ફાયદો રહે.
ધારાસભ્ય ઈશ્વર પરમારે બારડોલી તાલુકાના ગામોમાં ગુજરાત ગેસ કંપનીની પાઈપલાઈન અંતર્ગત ગ્રામપંચાયતો અને એજન્સીઓ વચ્ચે રિસ્ટોરેશન ચાર્જ અને વાર્ષિક ભાડા અંગેના પેન્ડિંગ પ્રશ્નોનું સત્વરે નિવારણ માટે પણ સંકલનની બેઠકમાં રજુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે મગદલ્લા-ધુલિયા નેશનલ હાઈવે નં.53 ઉપર બારડોલી તાલુકાના નાંદિડા અને સુવા ગામે સર્વિસ રોડ તથા પલસાણાના મલેકપોર ગામે સર્વિસ રોડ બનાવવા અંગે રજુઆત કરી હતી. જે પૈકી નેશનલ હાઈવેના અધિકારીએ આ કાર્ય પ્રગતિ હેઠળ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્ય સંગીતા પાટીલે આવક દાખલા તથા મા કાર્ડ મેળવવા માટેનો કેમ્પ કરવા અંગેની રજુઆતો કરી હતી.
આ ઉપરાંત સંકલનની બેઠકમાં બારડોલી આસપાસના ગામડાઓમાં ડીજીવીસીએલના એગ્રીકલ્ચર ફીડરોના તારોની અસામાજિક તત્વો દ્વારા વારંવાર ચોરી કરવામાં આવતી હોય છે. જેના કારણે ખેડૂતોને વીજપુરવઠો સમયસર મળતો નથી. જે બાબતે સત્વરે ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી.
આ પણ વાંચો-વડોદરામાં મહાલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આગ, પાંચ દુકાનો બળી ગઈ, કોઈ જાનહાની નહીં
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો