Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હવે ડિફેન્સ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરશે
યુવાનોનું હવે ભારતીય સૈન્યમાં જોડાવાનું સપનું સાકાર થશે. કારણ કે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા હવે ડિફેન્સ સ્ટડીઝ માટે અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ઇન્ડિયન આર્મીમાં જોડાઈ શકે તેમજ ડિફેન્સની વિવિધ સર્વિસિસમાં ભવિષ્ય બનાવી શકે તે માટે બીએ ડિફેન્સ સ્ટડીઝના અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બેચલર ઓફ આર્ટસ ઈન ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજી સ્ટડી કોર્સ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. યુનિવર્સીટી ખાતે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ડિફેન્સના અલાયદા અભ્યાસક્રમને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે અને આર્ટ્સ ફેકલ્ટીના અભ્યાસક્રમ તૈયાર કરવા ભલામણ કરવામાં આવી હતી.
નવી શિક્ષણનિતી તેમજ યુજીસીના નિયમોને આધીન સિલેબસ તૈયાર કરવામાં આવશે. જેમાં ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં 6 સેમેસ્ટર રાખવામાં આવશે તેમજ ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
નોંધનીય છે કે ઇન્ડિયન આર્મી કે પછી પોલીસ ઉપરાંત ડિફેન્સ સર્વિસિસમાં કેરિયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ મહત્વનો સાબિત થશે. હાલમાં જોવા જઈએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ અને અન્ય ડિફેન્સ સર્વિસિસમાં છેલ્લા ઘણા સમયથી નોકરીની તકો વધતી જઈ રહી છે.
દેશમાં વિવિધ ખાનગી સુરક્ષા એજન્સી દ્વારા પણ હાલમાં ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને નોકરીમાં રાખીને વિશેષ તાલીમ આપે છે. જેના સ્થાને વિદ્યાર્થીને પહેલાથી જ અભ્યાસક્ર્મની મળતી તાલીમ અત્યંત મહત્વની પુરવાર થશે. આ ઉપરાંત એકેડમિક કાઉન્સિલની બેઠકમાં વિદ્યાર્થીઓને અભ્યાસના અંતે મળતી ક્રેડિટ સળંગ કરવાનો પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આમ, હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી વિદ્યાર્થીઓની પસંદગીના અલગ અલગ કોર્સ શરૂ કરીને તેમને તે દિશામાં આગળ વધવા માટે તકો પુરી પાડી રહી છે. અત્યાર સુધી આ કોર્સ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સટીમાં આ કોર્સ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સીટી કે શહેરોમાં જઈને આ કોર્સ કરતા હતા. પણ હવે સુરતમાં જ યુનિવર્સીટી દ્વારા બીએ ડિફેન્સ સ્ટડીનો કોર્સ શરૂ કરતા વિદ્યાર્થીઓને આ શ્રેતમાં પણ આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.