ચંદી પડવો સુરતીઓનો (Surti) પોતાનો તહેવાર છે. આ દિવસે રાત્રે સુરતીઓ ઘરની અગાશી કે ફૂટપાથ પર પરિવાર અને મિત્રો સાથે બેસીને ઘારી(Ghari) અને ભૂંસાની જયાફત ઉડાવે છે એ વાત કોઈનાથી અજાણ પણ નથી. સુરતીઓના સ્વાદના ચટાકાને પહોંચી વળવા માટે અહીં અવનવી ઘારીઓની વેરાયટી પણ જોવા મળી રહે છે પણ છેલ્લા બે વર્ષથી સુરતના મીઠાઈ બજારમાં આવેલી એક ઘારી એવી પણ છે જેની કિંમત સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો.
આમ તો સુરતના મીઠાઈ બજારમાં પિસ્તા ઘારી, કેસર ઘારી, બદામ ઘારી, ચોકલેટ ઘારી, કૃષ્ણ કસ્તુરી ઘારી, કૂકીઝ ઘારી, માવા મલાઈ ઘારી વગેરે જેવી 10થી વધુ ઘારીની વેરાયટી ઉપલબ્ધ છે. સુગરના દર્દીઓ માટે તો સુગર ફ્રી ઘારી પણ ઉપલબ્ધ છે. જેથી તેઓ પણ પોતાના સ્વાદના ચટાકાને સંતોષી શકે પણ સુરતના મીઠાઈ વિક્રેતાઓ દ્વારા છેલ્લા બે વર્ષથી ખાસ ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવે છે. જેની એક કિલોની કિંમત 9 હજાર રૂપિયા છે.
ગોલ્ડન ઘારી એટલે ફક્ત કલરમાં જ પીળી કે ચમકતી હોય એવું નથી. મીઠાઈ વિક્રેતાઓનું માનીએ તો આ ઘારીમાં જે માવો વાપરવામાં આવે છે તેમાં ઈમ્પોર્ટેડ માવો અને મોંઘા સુકામેવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં તેના ઉપર જે વરખ ચડાવવામાં આવે છે તે શુદ્ધ સોનાનું હોય છે અને એટલા માટે આ ઘારીની કિંમત આટલી મોંઘી થઈ જાય છે.
સામાન્ય રીતે કોઈપણ મીઠાઈ પર ચાંદીની વરખ તો આપણે જોતા જ હોઈએ છીએ પણ સોનાની ઘારી એટલે કે ગોલ્ડન ઘારી પર ઓરીજનલ સોનાની વરખ ચડાવનાર મીઠાઈ વિક્રેતાઓનું કહેવું છે કે તેને ખાવાના પણ ઘણા ફાયદા છે. જોકે હાલ સોનાનો ભાવ સાતમા આસમાને છે, જેથી આ મીઠાઈ પણ સ્વાભાવિક મોંઘી જ હોવાની.
ગોલ્ડન ઘારી બનાવનાર મીઠાઈ વિક્રેતાઓનું કહેવું છે કે સુરતીઓ ખાવા પીવામાં અને તહેવારોમાં ક્યારેય મોંઘવારી કે ભાવ સામે જોતા નથી અને એટલા માટે જ અમારી પાસે ગોલ્ડન ઘારીના પણ ઓર્ડર આવે છે. લોકો વધારે માત્રામાં તો નહીં પણ એક બે કિલો ઘારીના ઓર્ડર આપે છે. જે અમે ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ. જોકે હાલ ચંદી પડવાનો તહેવાર નજીક છે, ત્યારે સુરતમાં ગોલ્ડન ઘારીએ અત્યારથી જ આકર્ષણ જમાવ્યું છે.
આ પણ વાંચો: surat: વેપારીઓને ચાંદી-ચાંદી, તહેવારોને પગલે સાડી અને ડ્રેસ મટિરિયલ્સની ડિમાન્ડમાં વધારો
આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે