Surat : કોરોના વોરિયર્સના પરિવારજનો સરકારી સહાયથી હજુ પણ વંચિત

કોરોનાકાળમાં કોરોના વોરિયર્સનું કોરોનાથી અવસાન થશે તો તેને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમને સહાય કરશે.

Charmi Katira
| Edited By: | Updated on: May 14, 2021 | 8:32 AM

Surat : કોરોનાકાળમાં કોરોના વોરિયર્સનું કોરોનાથી અવસાન થશે તો તેને કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમને સહાય કરશે. સરકારે કરેલી આ જાહેરાત બાદ અનેક કોરોના વોરિયર્સના પરિવારો એવા છે, જેમણે પોતાનું સ્વજન તો ગુમાવ્યું, પરંતુ સરકાર તરફથી મળતી સહાયથી હજુ પણ વંચિત છે.

સુરતમાં આશરે 22 હજાર કર્મચારીઓ દિવસ રાત કરીને કોરોનાને હરાવવા માટે લડી રહ્યા છે. જોકે 2 હજાર જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા, તો કેટલાક કમનસીબ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે આવા પરિવારો આજે પણ સરકારી સહાય માટે રઝળપાટ કરી રહ્યા છે.

કોરોના કાળમાં મૃત્યુ પામેલા પાલિકાના કર્મચારીઓના પરિવારજનોને સહાયની હૈયાધારણા આપ્યા બાદ પણ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે. સુરતમાં અંદાજે 2 હજાર કરતા પણ વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાં 44 કર્મચારીઓના મોત થયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આ કર્મચારીઓના પરિવારજનોને 50 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 25 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

જોકે હજી સુધી ફક્ત 4 પરિવારોને જ આ સહાય મળી શકી છે. આ અંગે સુરતના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયકને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હાલ કર્મચારીઓના ફાઇલની પ્રોસેસ ચાલી રહી છે, જેમાં કેટલીક કવેરી આવી રહી છે. જે તેમને ક્લિયર કરવાની રહે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં 2020 માં 25 અને અત્યાર સુધી કુલ 44 કોરોના વોરિયર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાંથી માત્ર 4 જ પરિવારોને સહાય મળી છે.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 80 કરતા પણ વધુ કેન્દ્ર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં 18 થી 44 વર્ષ વય ધરાવતા લોકો, 45 થી વધુ ઉંમર ધરાવતા લોકો તેમજ પહેલા અને બીજા ડોઝ માટે બાકી રહેલા લોકોને અલગ અલગ વિભાજીત કરીને સેન્ટરો પર વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરતમાં અત્યારસુધી 10 લાખ કરતા પણ વધુ લોકોએ રસીકરણનો લાભ લીધો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">