Surat : માનદરવાજા ટેનામેન્ટના રહીશોને જર્જરિત આવાસમાં જ ખસેડવાનું કહેતા સ્થળાંતરનો મુદ્દો ફરી અટવાયો
સુરતના માનદરવાજા ટેનામેન્ટના (Mandarwaja Tenement) રહીશોને ફરી જર્જરિત આવાસમાં જ ખસેડવાનું કહેતા મામલો ફરી અટવાયો છે. વડોદ ખાતેના આવાસ પણ ખુબ જર્જરિત હોવાથી રહીશોએ ના પાડી છે.

થોડા દિવસો પહેલા માનદરવાજા ટેનામેન્ટ (Mandarwaja Tenement) સાડા ત્રણસોથી વધુ આવાસ ધારકો વડોદ ખાતે સ્થિત થવા તૈયાર થયા હોવાની વાત સામે આવી હતી. પરંતુ જે વડોદ ખાતે તેમને સ્થળાંન્તર કરવામાં આવનાર છે તે આવાસ પણ જર્જરિત હોવાથી માન દરવાજા ટેનામેન્ટના રહીશોએ સ્થળાંતરનો ઇનકાર કરી દીધો છે.
માન દરવાજા ટેનામેન્ટના 300 થી વધુ આવાસ ધારકોને વડોદ ખાતે શિફ્ટ કરવાની ભાજપના સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાતનું સુરસુરિયું થઇ ગયું છે. તંત્ર જે વડોદ ખાતેના આવાસમાં માનદરવાજાના રહીશોને શિફ્ટ કરવા ઈચ્છે તે આવાસમાં જવા રહીશોએ ચોખ્ખો ઇનકાર કરી દીધો છે.
વડોદ ખાતેના આવાસ પણ ખુબ જર્જરિત હોવાથી 13 સભ્યોની કમિટીએ લીંબાયત ઝોન પર મળેલી બેઠકમાં વડોદ ખાતે સ્થળાંતર કરવા ના પાડી દીધી છે.
થોડા દિવસો પહેલા મહાનગર પાલિકા તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો એ સંકલન કરીને ટેનામેન્ટના રહીશો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 13 સભ્યોની કમિટી બનાવી હતી. કમિટી સભ્યો દ્વારા વડોદ ખાતે આવાસની વિઝીટ કરવામાં આવી હતી.જોકે વડોદ ખાતેના આવાસ પણ અત્યંત જર્જરિત હોવાથી કમિટીના સભ્યએ ફોટા પાડીને લીંબાયત ઝોન ઓફિસ ખાતે મળેલી મિટિંગમાં વડોદ ખાતેના આવાસમાં સ્થળાંતર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
કમિટીના સભ્યોએ જણાવ્યું છે કે, જો વડોદ ખાતેના જર્જરિત આવાસમાં થવાનું હોય તેના કરતાં માન દરવાજા ટેનામેન્ટ ખાતે જ રહેવું સારું રહેશે અને રહેવાસીઓ દ્વારા કોઈપણ દુર્ઘટના બને તો તમામ જવાબદારી લેવાની તૈયારી બતાવવામાં આવી રહી છે
જોકે ભાજપના હાજર કોર્પોરેટરો દ્વારા જર્જરિત માન દરવાજા ટેનામેન્ટમાંથી વસવાટ ખાલી કરવો જ પડશે તેવી ચીમકી આપતા કમિટીના સભ્યો બેઠકમાંથી ઉઠી ગયા હતા અને મામલો અટવાઈ પડયો હતો.