SURAT : કોલસાની અછતની ડ્રાઇંગ અને પ્રોસેસિંગ એકમો પર માઠી અસર, 300થી વધુ એકમોને તાળા લાગે તેવી સ્થિતિ

સુરતમાં જો ડાઈંગ પ્રોસેસિંગ એકમો એક મહિનાનું વેકેશન પાડશે, તો કાપડ બજારમાં જબરદસ્ત ઉથલ-પાથલ થવાની શક્યતા છે. કારણ કે જો એકમો બંધ થશે તો મિલોમાંથી તૈયાર થયેલું કાપડ બજારમાં આવશે નહિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:03 PM

સુરતના ડાઈંગ અને પ્રોસેસિંગ એકમો પર કોલસા અછતની માઠી અસર પડી છે. 300થી વધુ એકમોને તાળા મારી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતના ડાઈંગ અને પ્રોસેસિંગ એકમોમાં ઓછામાં ઓછું એક મહિનાનું દિવાળી વેકેશન મજબૂરીમાં પાડવું પડશે. કોલસો, કલર તેમજ કેમિકલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાતા સુરતના 400 જેટલા ડાઈંગ અને પ્રોસેસિંગ એકમોના માલિકો ભયંકર ખોટનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એકાદ મહિનાથી દેશમાં કોલસાની તીવ્ર અછત ઉભી થઇ છે તેને કારણે ડાઈંગ મિલ સંચાલકોને જંગી ખોટ અને નાણાકીય ભીડનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેની સીધી અસર ડાઈંગ પ્રોસેસિંગ એકમો બંધ થવા સુધી થઈ રહી છે.

સુરતમાં જો ડાઈંગ પ્રોસેસિંગ એકમો એક મહિનાનું વેકેશન પાડશે, તો કાપડ બજારમાં જબરદસ્ત ઉથલ-પાથલ થવાની શક્યતા છે. કારણ કે જો એકમો બંધ થશે તો મિલોમાંથી તૈયાર થયેલું કાપડ બજારમાં આવશે નહિ અને બીજીબાજુ જે કાપડ બજારમાં આવશે તેનો ભાવ પણ વધી જવાની શક્યતા છે.જોકે હાલમાં પણ પ્રોસેસિંગ એકમના માલિકો દ્વારા એક મીટરના ચાર્જમાં 20થી 25 પૈસા જેટલો ભાવ વધારો કરી દીધો છે. આ ભાવ વધારો એટલા માટે થઈ રહ્યો છે કે કોલસો અને કલર કેમિકલના ભાવ લગભગ બે ગણા થઈ ગયા છે. બીજી તરફ કોલસા અને કલર કેમિકલના વેપારીઓ પણ કૃત્રિમ અછતનો સહારો લઈ નફાખોરી કરી રહ્યા છે. આવા તક સાધુ વેપારીઓને પ્રોસેસિંગ એકમોના માલિકો સબક શીખવવાના મૂડમાં છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">