સોમનાથ મંદિર – અમદાવાદના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઈમેઈલ મારફતે બોમ્બની ધમકી મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓ, કોર્ટ સહિતની સંસ્થાઓને પણ ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા, જેના પગલે પોલીસ, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

સોમનાથ મંદિર - અમદાવાદના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ
| Updated on: Sep 21, 2026 | 12:44 PM

ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેઈલથી સુરક્ષા તંત્રમાં દોડધામ મચી છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપના શહેર કાર્યાલય સહિત, સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર અને અન્ય ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.

ખાલિસ્તાની ઉલ્લેખ સાથે ધમકીભર્યો ઈમેઈલ

મળતી માહિતી પ્રમાણે, એક બ્રોડકાસ્ટ ઈમેઈલ મારફતે ગુજરાત પ્રદેશ ભાજપ, અમદાવાદ શહેરના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય, સોમનાથ મંદિર, કોબા કાર્યાલય અને ભાજપની સેન્ટ્રલ ઓફિસને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. ઈમેઈલમાં ખાલિસ્તાની સંદર્ભનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. હાલ ઈમેઈલની પ્રામાણિકતા અને તેને મોકલનાર વ્યક્તિ કે જૂથ અંગે તપાસ ચાલી રહી છે.

પોલીસ, BDDS અને ડોગ સ્ક્વોડે તપાસ શરૂ કરી

ધમકીની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. ભાજપ કાર્યાલયમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

અગાઉ પણ મળી ચૂકી છે બોમ્બની ધમકી

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઈમેઈલ મારફતે બોમ્બની ધમકી મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરની કેટલીક શાળાઓ, કોર્ટ સહિતની સંસ્થાઓને પણ ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા, જેના પગલે પોલીસ, BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત પોલીસની તાજેતરની તપાસમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટને બોમ્બની ધમકી આપતા ઈમેઈલ સાથે જોડાયેલા એક આંતરરાજ્ય સાયબર નેટવર્કનો પર્દાફાશ થયો હતો અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં 5 લાખથી વધુ ઈમેઈલ આઈડી અને પાસવર્ડનો ડેટા પણ મળી આવ્યો હતો.

 

Breaking News : ​ગિરનારમાં ભારે વરસાદથી જંગલમાં ફસાયેલા યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયું, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.