
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમવાર ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે. પારદર્શક નિયમો હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ઉમેદવારને પોતાના વતન જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં નિમણૂક મળી શકે.

હર્ષ સંઘવીએ નવી નિમણૂક પામેલાઓને સંબોધતા કહ્યું કે, આ વર્દી આપણને દિવસ-રાત, ઠંડી-ગરમી, તહેવાર કે કુદરતી આફત જેવી કોઈપણ વિષમ પરિસ્થિતિમાં જનતાની સેવા અને સુરક્ષા માટે ખડેપગે રહેવાની તાકાત આપે છે.

આ ભરતી પ્રક્રિયામાં રાજ્યમાંથી 10 લાખ કરતા વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો. શારીરિક કસોટી પૂર્ણ કર્યા પછી 2.45 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી 32 હજારથી વધુ ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર કરીને લોકરક્ષક કેડરમાં કૂલ 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8782 પુરૂષ અને 3117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે