CMને ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવકને જીવતો સળગાવવાનો પરિવારે કર્યો આક્ષેપ, વાયરલ વીડિયો અને આરોપોમાં તફાવત- Video

| Edited By: | Updated on: Jan 05, 2026 | 8:30 PM

આણંદના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવકને જીવતો સળગાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સરપંચના પરિવાર પર પેટ્રોલ છાંટી સળગાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત યુવક સયાજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવકને જીવતો સળગાવવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે ગામના મહિલા સરપંચ અને તેમના પરિવારજનો સામે પીડિત યુવકે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. અંબાવ ગામના રહેવાસી ભરત પઢિયારે સરપંચના પરિવાર પર આરોપ લગાવ્યો છે કે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા બદલ તેને પહેલા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના શરીર પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો.

ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિતે હોસ્પિટલમાંથી નિવેદન આપતા જણાવ્યું કે સરપંચના પરિવારજનોએ આ સમગ્ર કૃત્ય આચર્યું હતું. આ મામલે મહિલા સરપંચ, તેમના પતિ સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસે પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે અને હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વીડિયોના આધારે પણ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભોગ બનનાર ભરત પઢિયારના પરિવારનો આક્ષેપ છે કે સરપંચ પરિવારે તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વાયરલ  વીડિયોમાં હકીકત કંઈક અલગ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

 

 

દરરોજ સીડી ચડ- ઉતર કરવાના ફાયદાઓ જાણી ચોંકી જશો, વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 05, 2026 08:25 PM