Mehsana : મહેસાણાના ગિલોસણના સરપંચને હોદ્દા પરથી હટાવાયા, 21 વર્ષની ઉંમરનું ખોટું એકરારનામું રજૂ કર્યું હતું, જુઓ Video
મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામમાં સરપંચ પદે બિરાજમાન અફરોઝબાનુને ખોટા ઉંમરના પ્રમાણપત્રોના આધારે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામમાં સરપંચ પદે બિરાજમાન અફરોઝબાનુને ખોટા ઉંમરના પ્રમાણપત્રોના આધારે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અફરોઝબાનુ પર આરોપ છે કે તેમણે ચૂંટણી લડતી વખતે પોતાની ઉંમર ખોટી દર્શાવી હતી. તેમણે 21 વર્ષની ઉંમરનું એકરારનામું રજૂ કર્યું હતું, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે તેમની વાસ્તવિક ઉંમર 19 વર્ષ હતી, જે સરપંચ પદ માટેની લઘુત્તમ વયમર્યાદા કરતાં ઓછી છે.
આ વિવાદની શરૂઆત જુલાઈ 2025માં થઈ હતી, જ્યારે LCના આધારે અફરોઝબાનુ 19 વર્ષની ઉંમરે સરપંચ બની ગયા હોવાની જાણકારી સામે આવી. આ જાણકારી મળતાની સાથે જ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહેસાણા TDOએ અફરોઝબાનુના આધાર કાર્ડ અને LCની ખરાઈ કરાવી. આ ખરાઈ દરમિયાન ચૂંટણી અધિકારીની ભૂલને કારણે નિયત ઉંમર કરતાં નાની વયે સરપંચ બની જવાનો અહેવાલ પ્રાંત અધિકારીને સુપરત કરાયો હતો. ત્યારબાદ TDOને આ મામલે આગળની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
સરપંચ અફરોજબાનુને હોદ્દા પરથી હટાવાયાં
વધુ તપાસ દરમિયાન, 25 જુલાઈના રોજ 5 સપ્ટેમ્બર 2003ની જન્મ તારીખ દર્શાવતો મનપાનો એક દાખલો પણ રજૂ કરાયો, જેનાથી મામલામાં નવો વળાંક આવ્યો. 12 ઓગસ્ટના રોજ નિવાસી નાયબ કલેક્ટરે અફરોઝબાનુના જન્મ પ્રમાણપત્રની ફરીથી ખરાઈ કરવાનો આદેશ આપ્યો. તપાસ પ્રક્રિયામાં વધુ એક વિગત સામે આવી કે 18 ઓગસ્ટના રોજ અફરોઝબાનુના મોટાભાઈની જન્મ તારીખ અને નામમાં અફરોઝબાનુ દર્શાવીને જે દાખલો રજૂ કરાયો હતો, તેને મનપાના જન્મ મરણના રજિસ્ટર દ્વારા રદ કરવામાં આવ્યો.
આખરે, 18 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરના પુરાવા રજૂ કરવા માટે TDO સમક્ષ અફરોઝબાનુને પૂરતી તક આપવામાં આવી હતી. તેમને પોતાની સાચી ઉંમર સાબિત કરવાનો મોકો મળ્યો, પરંતુ તેઓ કોઈ પણ માન્ય પુરાવા રજૂ કરી શક્યા નહીં. આ પરિણામ સ્વરૂપ, TDO દ્વારા અફરોઝબાનુને સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા. નવા સરપંચની ચૂંટણી ન થાય ત્યાં સુધી ગિલોસણ ગામના ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આમ, જુલાઈ 2025થી ચાલી રહેલા આ વિવાદનો આખરે અંત આવ્યો છે અને સરપંચ અફરોઝબાનુને તેમની ઉંમરની ગેરરજૂઆતને કારણે પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.