Sabarkantha: સુરત, અમદાવાદ થી લઇને દિલ્હી-મુંબઇના બજારમાં ફુલાવર ઠાલવતા ખેડૂતોની હાલત અપોષણક્ષમ ભાવોથી કફોડી
બજારમાં કિલોના જે ભાવે કિલો ફુલાવર મળે એ ભાવે વહેપારીઓ ખેડૂતો પાસેથી પ્રતિ મણની ખરીદી કરે છે, સ્ટોરેજ ના થઇ શકે એવુ ઉત્પાદન હોઇ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવાતો હોવાનો ખેડૂતોનો રોષ
સાબરકાંઠા (Sabarkantha) ના પ્રાંતિજ વિસ્તારમાં ફુલાવરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, આ વિસ્તારના ખેડૂતો ફુલાવર અને કોબીજને દિલ્હી અને મુંબઇ ઉપરાંત સ્થાનિક સુરત (Surat) અને અમદાવાદ (Ahmedabad) ના બજારોમાં મોકલતા હોય છે. પરંતુ જાણે કે હાલમાં આ ખેડૂતોની અવદશા શરુ થઇ છે. હાલમાં ભાવ ઉંચા હોવાને બદલે ગગડેલા રહેવાને લઇ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખેડૂતોને જે ભાવ હાલમાં પ્રતિ મણના મળી રહ્યા છે, એ ભાવે તો મોટા શહેરામાં ગૃહિણીઓ કિલો શાકભાજી ખરીદતી હોય છે. આમ વચેટીયા વહેપારીઓ પર પણ ખેડૂતોનો રોષ વર્તાઇ રહ્યો છે કે પોતાની પાસેથી ખરીદ કરેલ પાકને 20 ગણી કિંમતે છુટક બજારમાં વેચે છે.
પ્રાંતિજ વિસ્તાર એટલે ફુલાવર અને કોબીજના ઉત્પાદન માટે જાણીતો વિસ્તાર છે. અહી વ્યાપક પ્રમાણમાં ફુલાવર અને કોબીજનુ વાવેતર થાય છે. વિસ્તારના ખેડૂતો કોબીજ અને ફ્લાવરની ખેતી વડે જીવન ગુજરાન ચલાવતા હોય છે. માટે જ ખેડૂતો શાકભાજીના પોષણક્ષમ ભાવોને માટે થઇને આશા રાખતા હોય છે. પરંતુ હાલના સમયમાં ખેડૂતોને ખૂબ જ ઓછા ભાવ મળી રહ્યા છે. વિસ્તારના ખેડૂતોને માંડ 50 રુપિયા પ્રતિ 20 કીલોએ ભાવ બજારમાં મળી રહ્યા છે. જેને લઇને ખેડૂતો સસ્તા ભાવે ફુલાવરનુ ઉત્પાદન વેચવા મજબૂર બન્યા છે. ફુલાવરના પાકને સ્ટોરેજ કરી શકાય એમ નહી હોવાને લઇને ખેડૂતોએ નિયમીત રુપે ઉત્પાદન મેળવીને પાકને બજારમાં રોજે રોજ મોકલવો જરુરી હોય છે. આમ ખેડૂતોની મજબૂરી ઓછા ભાવે પણ ઉત્પાદન વેચવાની દર વર્ષે વર્તાય છે.
વિસ્તાર ખેડૂતોની આપવિતી
પોગલુ ગામના ડેપ્યુટી સરપંચ કહે છે, અમારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફુલાવરની ખેતી થાય છે, પરંતુ હાલના સમયમાં ભાવો નહી મળવાને લઇને મુશ્કેલી છે. ખર્ચ પણ હાલમાં ના નિકળે તેવી સ્થિતી પેદા થઇ છે. અહીંથી દિલ્હી મુંબઇ, સુરત, અમદાવાદ અને વડોદરા જેવામાં શહેરોમાં ફુલાવર ખેડૂતો વેચવા માટે જતા હોય છે.
પ્રાંતિજ વિસ્તારના અગ્રણી ખેડૂત મહેશ પટેલ કહે છે, અમે ફુલાવરની ખેતી કરીએ છીએ પણ હાલમાં બજારમાં ભાવો ખૂબ જ નિચા મળી રહ્યા છે અને જેને લઇને પોષાતુ હોતુ નથી. હાલના ભાવમાં ખર્ચ પણ વસુલ થઇ શકે એમ નથી. જે ભાવે બજારમાં ગૃહિણીને કિલો ભાવે મળે એ ભાવે અમારી પાસેથે વહેપારી મણના ભાવે ખરીદી કરે છે.
ફુલાવર-કોબીજની ખેતી ખર્ચાળ
પ્રાંતિજના પોગલુ, પિલુદ્રા, અમિનપુર, જેસીંગપુરા, કમાલપુર અને ચંચળબાનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફુલાવરનુ વાવેતર કરવામાં આવે છે. અહી થી દરરોજ મુંબઇ અને દિલ્હી ઉપરાંત, સુરત, વ઼ડોદરા, અમદાવાદ જેવા બજારોમાં ફુલાવરને મોકલવામાં આવે છે. હાલના સમયમાં ગરમીનુ પ્રમાણ વધારે હોવાથી ફુલાવરમાં રોગચાળાનુ પણ પ્રમાણ વર્તાઇ રહ્યુ છે. તો બીજી તરફ શહેરોના બજારમાં ભાવ ઓછા મળવાને લઇને ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. ફુલાવરની ખેતી ખૂબ જ ખર્ચાળ હોય છે અને તે માટે માવજત અને બીયારણ પણ ખૂબ જ મોંઘી રહેતી હોય છે આમ પ્રતિ 20 કીલોએ 300 રુપિયા થી નિચે ફુલાવરનુ વેચાણ કરવુ એ ખેડૂત માટે પરવડી શકે એમ જ હોતુ નથી. પરંતુ હાલમાં હોળી જેવા તહેવારો પૂર્ણ થવા છતાં ભાવમાં વધારો નહી થવાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.