લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા પહેલાથી જ કર્મચારીઓથી લઇને મતદાન મથક અને તેના સ્ટાફને લઈને પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાને લઈને પણ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલે એવા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં ચૂંટણીને લઈ કેટલાક પડકારોને પણ તંત્રએ ઝીલવાના છે. જેમાનો એક પડકાર શેડો એરિયાની સમસ્યાનો છે.
જેને પાર પાડવા માટે બેઠકના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. લોકસભા ચૂંટણીને લઈ મતદાન મથકોના વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક રહે એ પણ જરુરી છે. આ માટે થઈને મતદાન મથકો પર તમામ પ્રયાસો કરવામાં આવે છે. અગાઉની ચૂંટણીઓમાં મતદાન મથકોને લઈ અનુભવો આધારે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં સૌથી મોટા પડકાર પૈકી એક મોબાઇલ નેટવર્કનો છે.
સાબરકાંઠાના મુખ્ય ચૂંટણી અધિકારી અને ક્લેકટર નૈમેષ દવેએ બતાવ્યુ હતુ કે, એવા કેટલાક મતદાન મથકો છે કે, જે શેડો એરિયામાં આવેલ છે. આવા શેડો એરિયાને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મહંદઅંશે સફળતા મળી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી ભૂમિ કેશવાલાએ જણાવ્યુ હતુ કે, આ પ્રકારે શેડો એરિયામાં 26 મતદાન મથકો હોવાનું સામે આવ્યુ હતુ. જે મતદાન કેન્દ્ર વિસ્તારમાંથી મોબાઇલ નેટવર્કને લઈ જે શેડો એરિયા ઓળખવામાં આવે છે, તેને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઈ આ આંક ઘટાડીને 11 સુધી લાવવામાં આવેલ છે.
નૈમેષ દવેએ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અમે અને અમારી ટીમ આ માટે પ્રયત્નશીલ છે. શેડો એરિયાને દૂર કરવા માટે મોબાઇલ નેટવર્ક કંપનીઓની સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જે મુજબ સંકલન કરીને આવા શેડો એરિયાને દૂર કરવા પ્રયાસ કરવામાં આવશે. કેટલાક મતદાન મથક કેન્દ્ર વિસ્તારમાં વધારાના બુસ્ટર પણ લગાડીને મોબાઇલ નેટવર્ક શરુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ માટે મોબાઇલ નેટવર્ક કંપની અને ખાસ કરીને BSNL અને JIO ના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. આમ ટૂંક સમયમાં સિંગલ ડિજીટમાં શેડો એરિયાનો આંકડો કરવામાં આવશે. આમ સંપૂર્ણ 100 ટકા મતદાન મથકો મોબાઇલ નેટનર્ક એરિયામાં હોય એ દિશામાં પ્રયાસ કરવામાં આવશે.
ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાત સરહદ વિસ્તારના ગામડાઓમાં શેડો એરિયાની સમસ્યા રહેતી હોય છે. પોશીના અને વિજયનગર તેમજ ખેડબ્રહ્મા સહિત અરવલ્લી ભિલોડામાં આ પ્રકારે શેડો એરિયાની સ્થિતિ જોવા મળતી હોય છે. કેટલાક વિસ્તારમાંતો મોબાઇલ નેટવર્ક રાજસ્થાન સર્કલનું આવતું હોવાનું પણ સમસ્યા રહેતી હોય છે. આમ આવા અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક વિસ્તારવુ એ મુશ્કેલ છે.
Published On - 1:52 pm, Mon, 18 March 24