Sabarkantha: હિંમતનગરના વિકાસ માટે HUDA ઝડપથી અમલમાં મુકવા CM ને રજૂઆત, આગેવાનોએ કહ્યુ-કાયાપલટ કરવા જરુરી
હિંમતનગર શહેરમાં GIDC, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓની મુશ્કેલી દુર કરવા માટે સાબર યુનિવર્સિટી, કેનાલ ફ્રન્ટના નવા તબક્કા અને તેની સુંદરતામાં વધારો, શહેરમાં બે રેલ્વે ઓવર બ્રિજ અને હાથમતી નદી પર 2 નવા બ્રીજ બનાવવાની કામગીરીએ વેગ પકડ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના વિકાસ માટે હવે જુદા જુદા સંગઠનો પણ આગળ આવી રહ્યા છે. જિલ્લામાં ફરી એકવાર વિકાસના વિઝન સાથે આગળ વધી રહેલ નેતાગીરી સક્રિય થતા જ જિલ્લા અને શહેરના આગેવાનો આગળ આવવા લાગ્યા છે. જિલ્લાના ક્રેડાઈ (CREDAI) સંગઠન દ્વારા આ માટે રાજ્યના મુખ્યપ્રધાનની મુલાકાત કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા અને હિંમતનગર શહેરના વિકાસ માટેની વિવિધ યોજનાઓને ગતિ આપવા અને નવા વિકાસ કાર્યને શરુ કરવાના રાજ્ય સરકારના પ્રયાસોનો આભાર માનવામાં આવ્યો હતો. આ સાથે જ જિલ્લાના વિકાસ બાબતે કેટલીક રજૂઆતોને પણ મુખ્યપ્રધાન રમક્ષ રજૂ કરી હતી. જેનાથી રાજ્ય સરકારના વિઝન મુજબ વિકાસ કાર્યનો ધમધમાટ શરુ થાય.
હિંમતનગર શહેરમાં હાલમાં વિકાસ કાર્ય ધારાસભ્યની આગેવાનીમાં છેલ્લા છ મહિનાથી ધમધમવા લાગ્યુ છે. હિંમતનગર શહેરમાં GIDC, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓની મુશ્કેલી દુર કરવા માટે સાબર યુનિવર્સિટી, કેનાલ ફ્રન્ટના નવા તબક્કા અને તેની સુંદરતામાં વધારો, શહેરમાં બે રેલ્વે ઓવર બ્રિજ અને હાથમતી નદી પર 2 નવા બ્રીજ બનાવવાની કામગીરીએ વેગ પકડ્યો છે. છેલ્લા છ માસ દરમિયાન વિકાસના કાર્યોની ગતિ પાટે ચઢી છે.
ક્રેડાઈના આગેવાનો CM ને મળવા પહોંચ્યા
સાબરકાંઠા જિલ્લો અને મુખ્ય મથક હિંમતનગર શહેરના વિકાસને લઈ છેલ્લા બે થી ત્રણ મહિનાથી ક્રેડાઈ (CREDAI) દ્વારા અભ્યાસ શરુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની વિકાસની ગતિમાં ક્રેડાઈના આગેવાનો કઈ રીતે સહભાગી થઈ શકે એ અંગેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આ અંગેની રુપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળવા માટે મોટી સંખ્યામાં આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. ક્રેડાઈના જિલ્લાના અધ્યક્ષ હિતેશ પટેલની આગેવાનીમાં ઉપાધ્યક્ષ પ્રદિપ પટેલ સહિતની ટીમ મુખ્યપ્રધાનને મળવા માટે પહોંચી હતી. જ્યાં હિતેશ પટેલ અને પ્રદિપ પટેલ સહિતના આગેવાનોએ વિકાસમાં સહભાગી થવાની સાથે સરકારના પ્રયાસોને જિલ્લાના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલી કેમ સફેદ શૂઝ પહેરીને જ મેદાનમાં ઉતરે છે? જાતે ખોલ્યુ રાઝ
HUDA ની રજૂઆત, ખેડૂતોની ચિંતા
હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે થઈને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ઝડપથી લાગુ કરવામાં આવે એવી રજૂઆત મુખ્યપ્રધાનને ક્રેડાઈની ટીમના તમામ સભ્યોએ કરી હતી. ખેડૂતોની ચિંતા સાથે આ અંગેની રજૂઆત કરતા કહ્યુ હતુ કે, રોડ અને હાઈવે વિસ્તારના ખેડૂતોને જ ઉંચા ભાવ મળી રહ્યા છે અને જે સતત વધતા જઈ રહ્યા છે. પરંતુ હુડાને લાગુ કરવામાં આવે તો હાઈવેથી અંતર ધરાવતા અનેક ખેડૂતોના ખેતરોના ઉંચા ભાવ મળી શકે છે. અંતરિયાળ ખેડૂતોની જમીનના ભાવ ઉંચા થઈ શકે છે અને અનેક ઘણુ વળતર મેળવી શકે છે. જે અત્યાર ડેવલોપર્સ ઓછા ભાવે ખરીદીને પોતાની મેળે રોડ રસ્તા કરીને તેની કિંમત વધારી રહ્યા છે. આમ ખેડૂતોના હિતમાં ઝડપથી HUDA લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી છે.
હિતેષ પટેલે કહ્યુ હતુ કે, અમદાવાદ અને ગાંધીનગર નજીક હોવા છતાં તેનો પૂરતો લાભ ખેડૂતોની જમીન અને ડેવલોપને લઈ મળી રહ્યો નથી. પરંતુ ઝડપથી અંતરિયાળ રસ્તાઓ તૈયાર કરવામાં આવે તો હિંમતનગરની કાયાપલટ થઈ શકવા સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારની રોનક બદલાઈ શકે છે. આ અંગેની રજૂઆત તેઓએ મુખ્યપ્રધાનને કરી હતી.