ફરાળી વાનગીઓમાં તૈયાર આટો ઉપયોગ કરતા હોય તો ચેતજો! તૈયાર પેકેટમાં ઝડપાઈ લોટની ભેળસેળ
ફુડ વિભાગ દ્વારા શ્રાવણ માસ અને જનમાષ્ટમી સહિતના તહેવારોને લઈ ગત ઓગષ્ટ માસમાં લીધેલા સેમ્પલમાં ફરાળી લોટમાં ભેળસેળ હોવાનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. રિપોર્ટ જોઈને ચોંકી જવાશે.
જો તમે ઉપવાસ કરતા હોય અને ફરાળી આટાની વાનગીઓનો ઉપયોગ કરીને ઉપવાસમાં પેટને રાહત આપવા માંગતા હોય તો સો વાર વિચારીને આવી વાનગીઓ આરોગજો. કારણ કે આવી વાનગીઓ તમારી શ્રદ્ધાની સાથે રમત રમી શકે છે. સાબરકાંઠા માં આવુ જ કંઈક સામે આવ્યુ છે. ફરાળી વાનગીઓ બનાવવા માટેના આટાના તૈયાર પેકેટના સેમ્પલ શ્રાવણ માસમાં લીધા હતા, હવે તેનો રિપોર્ટ સામે આવ્યો છે. જે ચોંકાવનારો છે. કારણ કે ફરાળી આટો ફરાળી નહીં પરંતુ ઘઉંના લોટનો હતો.
શ્રાવણ માસના ઉપવાસ કરતા હોય કે, પછી અગીયારસ અને પૂનમ સહિતના જુદા જુદા વ્રતના ઉપવાસ. પરંતુ આ ઉપવાસમાં રાહત માટે ફરાળી વાનગીઓનો ચટાકો લેવાનુ તમારી શ્રધ્ધા ભર્યા ઉપવાસને તોડી શકે છે. તમે જે ઘઉંના લોટથી દિવસ ભર દૂર રહ્યા હતા એ જ ઘઉંનો લોટ તમને ફરાળી આટાના નામે તમારા પેટમાં પહોંચી શકે છે. જે તમારા ઉપવાસને બગાડી શકે છે. વાત જરુર ચોંકાવનારી છે. પરંતુ આ માટે ચેતવાની જરુર પણ ઉપવાસ અને વ્રત કરીને ફરાળનો મોહ રાખનારાઓ માટે પણ છે.
શ્રાવણમાં લીધેલા સેમ્પલના રિપોર્ટ હવે સામે આવ્યા
ગત શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખીને સાબરકાંઠાના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કેટલાક સેમ્પલ લીધા હતા. જેમાં 2 સેમ્પલમાં તો ફરાળી આટાના બદલે ઘઉંનો જ લોટ હોવાનુ જણાઈ આવ્યુ હતુ. એટલે કે ગત ઓગષ્ટ માસમાં તહેવારો ટાણે લીધેલા સેમ્પલના રિપોર્ટ્સ હવે સામે આવ્યા છે. જે રિપોર્ટ ચોંકાવનારા છે. આ રિપોર્ટ મુજબ ફરાળી આટો હોવાના નામે બજારમાં પેકિંગ વેચાઈ રહ્યા હતા. જે પેકિંગમાં ઘઉનો લોટ મિક્સ કરી દેવામાં આવેલો જણાયો છે. ફરાળી હોવાના બહાને વેચાઈ રહ્યો હોત અને પેકિંગ પર ક્યાંય ઘઉંના લોટને લઈ ઉલ્લેખ કર્યો નહોતો.
હાલ તો રાજસ્થાનના ઉત્પાદક સામે અંગે ફુડ વિભાગે રિપોર્ટ આધારે કાર્યવાહી શરુ કરી છે. વિભાગના અધિકારી બીએમ ગમારાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આમ લોકોની શ્રદ્ધા સાથે છેતરપિંડીં આચરીને ભેળસેળ કરતા આવા પેકિંગ કરનાર ઉત્પાદકો સામે પગલા ભરવા માટેની કાર્યવાહી હાથ ઘરાઈ છે. આ માટે જિલ્લા ફુડ તંત્ર દ્વારા હવે કેસ દાખલ કરવામાં આવશે અને આ માટે કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં પણ આવુ ના થાય એ માટે વધુ સેંપલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી લેવામાં આવશે.