મીઠી વાતોમાં યુવાનોને ભોળવવાના અને પછી તેમના ખિસ્સા જ નહીં પરંતુ તિજોરીઓ ખાલી કરાવવાના દાખલા રોજ બરોજ સામે આવી રહ્યા છે. આમ છતાં યુવાનો મીઠી વાતો સામે આંધળાપણું દાખવતા હોય છે અને અંતે પૈસા અને સામાજીક આબરુથી હાથ ધોવા પડતા હોય છે. આવો જ દાખલો હિંમતનગર (Himmatnagar) શહેરમાં નોંધાયો છે. શહેરના બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદ મુજબ એક યુવકને યુવતી અને તેની તોડ બાજ ગેંગે ફસાવીને પૈસા પડાવવા પ્રયાસ કર્યો છે. પોલીસે હની ટ્રેપ (Honey Trap) માં ફસાવી તોડ કરતી ગેંગના સુત્રધારને જેલને હવાલે કરીને તેમની ગેંગના અન્ય સાગરીતોની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશનો યુવક હિંમતનગર શહેરમાં મહેતાપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્માણીનગર વિસ્તારમાં રહે છે. ટાઈલ્સ ફિટીંગનુ મોટાપાયે કામકાજ અન્ય શ્રમિકો સાથે રાખીને કરે છે. આમ તેની પાસે આવક સારી થતી હોઈ તે હિંમતનગર શહેરની તોડબાજ ગેંગના નજરમાં વસ્યો હતો. યુવકને પોતાની જાળમાં ફસાવવા માટે ‘હિના’ નામ ધારણ કરીને એક યુવતીએ મીઠી વાતોની શરુઆત કરી હતી. આરટીઓ સર્કલ પાસેના રહેમતનગરમાં રહેતા રફીક મોહમ્મદ હનિફ શેખ સાથે મળીને હિના તરીકે ઓળખ આપનારી યુવતીએ તેને પોતાની જાળમાં ફસાવવા લાગી હતી. ફોનથી તેની સાથે વાતચિતો કરવા લાગી હતી. ફરિયાદી પણ તેમાં લપસવા લાગ્યો હતો. આમ વિશ્વાસ કેળવવા જેવી વાતો કરીને તેને પોતાના ઘરે આવવા માટેનુ નિમંત્રણ આપ્યુ હતુ.
આરોપી યુવતીએ પ્રેમસંબંધનુ તરકટ રચીને યુવકને પોતાના ઘરે બોલાવીને યુવકનુ પેન્ટ ઉતરાવી લીધુ હતુ. આ દરમિયાન ઘરે તેનો પતિ બનીને રફીક શેખ હાજર થઈ ગયો હતો. બંનેએ ધાક ધમકીઓ આપીને વિડીયો બનાવી લીધો હતો. જે વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકીઓ આપીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. ખોટા કેસમાં ફસાઈ જવાથી બચવા માટે યુવકના ખિસ્સામાંથી પાંચ હજાર રુપિયા નિકાળી લેવા સાથે ગળામાં પહેરેલ અઢી તોલા સોનાની ચેઈન પણ પડાવી લીધી હતી.
ત્યારબાદ આરોપીઓએ યુવકના મોટાભાઈને ફોન કરીને પોલીસ તરીકેની ઓળખ ખોટી આપીને દમ મારી વધુ એક લાખ રુપિયાની માંગણી કરી હતી. આમ નકલી પોલીસ બનીને પૈસા પડાવવાનુ તરકટ કરવા જતા આખરે પોલીસ સ્ટેશને આ મામલે જાણ કરતા અસલી પોલીસની એન્ટ્રીથી નકલી પોલીસની ઓળખ થઈ આવી હતી. હિંમતનગર શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી યુવતી અને તેની સાથે મળીને ષડયંત્ર રચનાર રફીક શેખના વિરુદ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપી રફી શેખની ધરપકડ કરીને જેલના હવાલે કર્યો છે. ઉપરાંત અન્ય મદદગાર આરોપીઓ છે કે કેમ તે અંગેની તપાસ પણ હાથ ધરી છે.