સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં તસ્કરોએ ત્રાસ મચાવી મુક્યો છે. હિંમતનગર (Himmatnagar) શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર તસ્કરોની રોજ બરોજની બુમ જાણે કે લોકો માટે આંતક સમાન લાગી રહી છે. હિંમતનગર શહેરના મહેતાપુરામાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવીને 75 લાખની માતબર રકમની મત્તાની ચોરી કરી છે. સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમને તસ્કરો ચોરી કરી લઈ ગયા છે. ઘટનાને પગલે પોલીસ ટીમોએ પણ દોડધામ મચાવી દીધી છે. જિલ્લાની LCB અને SOG સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ ચુકી છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને ઘટના અંગે ફરીયાદ નોંધીને સીસીટીવી ચેક કરી શંકાસ્પદોને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર શહેરમાં આવેલા મહેતાપુરા વિસ્તારના રામજી મંદીર પાસેના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. વહેપારી પરિવાર વતન રાજસ્થાનમાં લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. આ દરમિયાન બંધ ઘરના તકનો લાભ ઉઠાવીને તસ્કરોએ ઘરફોડ ચોરી આચરી હતી. તસ્કરોએ બંધ ઘરના ધાબા પર રહેલી લોખંડની ગ્રીલને કાપી નાંખી હતી અને જેમાંથી ઘરમાં પ્રવેશ કરીને બંધ ઘરમાં આરામથી ચોરી કરી હતી. ઘરમાં રહેલા એક એક કબાટ અને તિજોરીને ફંફોળીને તેમાંથી દાગીના અને રોકડની ચોરી કરી હતી.
ઘરમાંથી 523 ગ્રામ સોનુ અને તેના ઘરેણાંની ચોરી કરી હતી. જેની કિંમત 27 લાખ રુપિયા અંદાજવામાં આવી છે. આ ઉપરાંત 31 કિલોગ્રામ ચાંદી તસ્કરો ઉઠાવી ગયા હતા. સાથે જ તિજોરીમાં મુકેલ 27 લાખ રુપિયાની રકમ ચોરી કરી ગયા હતા. આમ કુલ 75 લાખ રુપિયાની મત્તાની તસ્કરોએ ચોરી કરી હતી.
પોલીસ દ્વારા આ મામલે હવે તપાસને તેજ બનાવી દેવામાં આવી છે. ઘરની બહાર અને અન્ય સ્થળો પર લાગેલા સીસીટીવી દ્વારા કેટલાક શંકાસ્દોને તારવી લેવામાં આવ્યા છે. જેમાં એક કાર પણ લાલ રંગની શંકાસ્પદ જણાઈ રહી છે. આમ આવા તમામ વાહનોને અલગથી તારવીને તેમની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને પ્રાથમિક તપાસ મુજબ કોઈ જાણભેદુ પણ આખીય ઘટનામાં સામેલ હોઈ શકે છે. આ માટે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તેમજ ચોરી કરવા માટે રેકી કરવામાં આવ્યા બાદ અંંજામ આપ્યો હોવાને લઈ રેકી કરવાને લઈને પણ શહેરના નેત્રમ સીસીટીવી મારફતે તપાસ હાથ ધરી છે.
એલસીબી અને એસઓજી ટીમોને પણ તપાસ માટે જોડવામાં આવ્યા છે. સાથે જ FSL અને ડોગ સ્ક્વોડ પણ તપાસ માટે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા SP વિશાલ કુમાર વાઘેલાએ ચોરીના ભેદને ઉકેલવા માટે જુદી જુદી ટીમો રચી તમામ ટીમોને અલગ અલગ દિશા અને સ્તરની તપાસ સોંપવામાં આવી છે. આમ ઝડપથી ગુનાના ભેદને ઉેકલવા માટે પ્રયાસ શરુ કરી દેવામાં આવ્યો છે.