Sabarkantha: ટ્યુશન શિક્ષકે 2 સગીર વિદ્યાર્થીનીઓની રુમ બંધ કરી છેડતી કરી, ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ, ટીચરની ધરપકડ
વિદ્યાર્થીનીની માતા ક્લાસ પર પહોંચતા અંદરથી દરવાજો બંધ કરેલી સ્થિતિ હતી અને બાળકી રડતી હતી. ઘટના અંગે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના એક વિસ્તારમાં બે સગીર વિદ્યાર્થીનીઓને ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે છેડતી કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગર શહેરમાં પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવી અનેક સારા પરિવારના બાળકો ડ્રોઈંગ-આર્ટ શિખવા માટે ક્લાસમાં આવતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીના વાલી ક્લાસ પર પહોંચતા અંદરથી દરવાજો બંધ કરેલી સ્થિતિ હતી અને બાળકી રડતી હતી. ઘટના અંગે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.
પોલીસે આરોપી ટ્યુશન શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થીનીઓને રુમમાં પુરીને છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટના દરમિયાન સ્થળ પર હોબાળો થતા પોલીસના ચાર જેટલા વાહનો દોડી આવ્યા હતા. બીજી તરફ બાળકીના વાલી સહિત 35 લોકોના ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી.
વાલી ક્લાસ પર પહોંચ્યા તો દરવાજો બંધ
જ્યારે માતા ક્લાસ પર પહોંતી હતી, ત્યારે દરવાજો બંધ હતો અને જ્યાં બાળકી અંદર રડતી હોવાનુ જણાતા વાલીની ચિંતા વધી ગઈ હતી. ઘટનાને પગલે બાળકીના વાલીએ રુમનો દરવાજો ખોલાવીને બાળકીને જોતા બાળકી ખૂબ જ રડવા લાગી હતી અને શિક્ષક ધીરજ લેઉઆએ ડ્રોઈંગ શિખવવાના બહાને કરેલ છેડ છાડ અંગે માતાને જાણ કરી હતી. જેને લઈ વાલી દ્વારા ઠપકો કરતા જ શિક્ષક લેઉઆએ હોબાળો મચાવ્યો હતો.
ઘટનાને પગલે ટોળા એકઠા થઈ જતા પોલીસને જાણ થતા જ પોલીસને એક સાગમટે ત્રણ થી ચાર વાન સ્થળ પર આવી પહોંચી હતી. અને હોબાળો વધતા અટકાવ્યો હતો. શિક્ષકની કરતૂતને લઈ પોલીસે તેની સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બીપી ડોડિયાએ જણાવ્યુ હતુ કે, બે બાળકીઓ જેમાં એક 11 વર્ષની અને બીજી 8 વર્ષની હતી, જેમની આરોપી શિક્ષક ધીરજ લેઉઆએ છેડતી કરી હતી. જેને લઈ ડ્રોઈંગ શિક્ષક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.
બાળકીના વાલીઓ સામે એટ્રોસિટી
તો વળી બાળકીના વાલીઓ સહિતના ટોળાએ ઘટના બાદ હોબાળો મચાવ્યો હોવાને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે. બે શખ્શો અને અન્ય 35 જેટલા ટોળા સામે પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરુ કરી છે.