સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી
સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ભાજપ દ્વારા મેન્ડેટ અપાયેલ 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાને લઈ ડેરીનું શાસન ફરી એકવાર શામળ પટેલની પેનલનમાં હાથમાં રહેશે. જોકે એક બેઠક માટે આગામી 10 માર્ચે ચૂંટણી યોજાશે.
સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો છે. 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાતા 136 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતાય જે ચકાસણીના અંતે 76 જેટલા ફોર્મ માન્ય રહ્યા હતા. આ દરમિયાન હવે ઉમેદવારી પાછી ખેંચવાના સમયે મોટા ભાગની બેઠકો એક બાદ એક બિનહરીફ થતાં ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર આટલા બધા ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. આમ લોકસભાની ચૂંટણી પહેલા જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભાજપે મોટી સફળતા હાંસલ કરી છે.
16 બેઠકો માટે ભાજપ દ્વારા 16 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જે મેન્ડેટ જાહેર થયા બાદ વર્તમાન ચેરમેન શામળ પટેલ અને તેમની ટીમ ઉપરાંત રાજકીય અગ્રણીઓએ ડેરીમાં ચૂંટણીના બદલે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ આવે એ માટે પ્રયાસો શરુ કર્યા હતા. જેમની અપીલ કરવા સાથે જ ચૂંટણી બદલે બિનહરીફ ઉમેદવારો વિજય કરવાની શરુઆત એક બાદ એક થવા લાગી હતી.
માલપુર બેઠક માટે ચૂંટણી યોજાશે
જોકે માલપુર બેઠક બિનહરીફ નહીં રહેવાને લઇ ચૂંટણી યોજાશે. માલપુર બેઠક પર જશુ પટેલ અને હસમુખ પટેલ વચ્ચે ટક્કર જામશે. હસમુખ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યુ છે. તો બીજી તરફ જશુ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. જશુ પટેલ સાબરડેરીમાં પૂર્વ ડિરેક્ટર રહેવા સાથે સહકારી ક્ષેત્રમાં પણ વર્ચસ્વ ધરાવે છે. આવી સ્થિતિમાં એક બેઠક માટે યોજાનારી ચૂંટણીને લઈને પણ રસાકસી રહી શકે છે.
બિનહરીફ જાહેર થયેલ ઉમેદવાર
- હિંમતનગર-1 વિભાગઃ જેઠાભાઈ પ્રભુદાસભાઈ પટેલ, જામળા
- હિંમતનગર-2 વિભાગઃ ડો વિપુલ રમણભાઈ પટેલ, ઠુમરા
- ઈડર-1 વિભાગઃ કેતન નારાયણદાસ પટેલ, અરોડા
- ઈડર-2 વિભાગઃ અશોક રેવાભાઈ પટેલ, લાલપુર
- ખેડબ્રહ્મા વિભાગઃ રામભાઈ ડાહ્યાભાઈ પટેલ, વાસણા
- વડાલી વિભાગઃ ઋતુરાજ ડાહ્યાભાઈ પટેલ, વડાલી
- પ્રાંતિજ વિભાગઃ મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ, અંબાવાડા
- તલોદ વિભાગઃ ભોગીલાલ રમણલભાઈ પટેલ, કાલીપુરા
- મોડાસા-1 વિભાગઃ શામળભાઈ મુળચંદભાઈ પટેલ, જીતપુર
- મોડાસા-2 વિભાગઃ સચિન અરવિંદભાઈ પટેલ, મલેકપુર
- ધનસુરા વિભાગઃ કાંતિભાઈ સોમાભાઈ પટેલ, ધનસુરા
- બાયડ-2 વિભાગઃ સુભાષ નાથાભાઈ પટેલ, રણેચી
- બાયડ-1 વિભાગઃ શામળભાઈ બાલાભાઈ પટેલ, પીપોદરા
- મેઘરજ વિભાગઃ જયંતીભાઈ ભીખાભાઈ પટેલ, પાલ્લા ઢૂંઢા
- ભિલોડા વિભાગઃ કાંતિભાઈ નવજીભાઈ પટેલ, ભિલોડા