
રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.

ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.

મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે.