સમાજના વડીલો ઇચ્છે છે કે હું રાજકારણમાં ન જાઉં જ્યારે યુવાનો અને મહિલાઓ ઇચ્છે છે કે હું રાજકારણમાં જોડાઉઃ નરેશ પટેલ
નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં ન જોડાવાનો નિર્ણય વ્યક્તિગત હોઇ શકે છે. મારે તેના નિર્ણય સાથે કોઇ લેવાદેવા નથી. પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, બની શકે કે હું રાજકારણમાં જોડાઉ તો મારી સાથે રહીને તેવો કામ કરે.
કાગવડ ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) રાજકારણ (politics) માં ક્યારે એન્ટ્રી કરશે તેને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આજે કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં નરેશ પટેલના રાજકારણમાં જોડાવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ખોલડલધામ ટ્રસ્ટની બેઠક બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું છે કે સમાજના વડીલો ઇચ્છે છે કે હું રાજકારણમાં ન જાઉં, પણ યુવાનો અને મહિલાઓમાં ખુબ જ ઉત્સાહ છે કે હું રાજકારણમાં જોડાઉ. નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા અંગેનો નિર્ણય ખૂબ જ ઝડપથી લઇશ અને આ મહિનાના અંત સુધીમાં મારો નિર્ણય સમાજ સમક્ષ જાહેર કરી દઇશ.
અગાઉ એવી વાત થઈ રહી હતી કે પ્રશાંત કિશોર અને નરેશ પટેલ બંને સાથે મળીને કોંગ્રેસમાં કામ કરશે અને નરેશ પટેલ જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે કોંગ્રેસના હાઈ કમાન્ડ સાથે પ્રશાંત કિશોરના મુદ્દે ચર્ચા થઈ હતી પણ હવે જ્યારે પ્રશાંત કિશોરે પોતે કોંગ્રેસમાં ન જોડાવાના હોવાનો નિર્ણય જાહેર કરી દીધો છે ત્યારે શું નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તે અટકળો શરૂ થઈ હતી. આ બાબતે નરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં ન જોડાવાનો નિર્ણય વ્યક્તિગત હોઇ શકે છે. મારે તેના નિર્ણય સાથે કોઇ લેવાદેવા નથી. પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, બની શકે કે હું રાજકારણમાં જોડાઉ તો મારી સાથે રહીને તેવો કામ કરે. પ્રશાંત કિશોર કોઇ એક પક્ષ સાથે કામ કરતા નથી. અલગ અલગ પક્ષો સાથે કામ કરે છે.
ખોડલધામ ટ્રસ્ટની બેઠક વચ્ચે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપીને કહ્યું હતું કે દર ત્રણ મહિને ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળે છે, આજની બેઠક માત્ર રૂટિન બેઠક છે, આ બેઠકમાં ટ્રસ્ટના પ્રશ્નો અને વિચારોની આપલે થશે. મારા રાજકારણમાં જોડાવા અંગે હું ટ્રસ્ટની બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર માહિતી આપીશ.
આ બેઠક પહેલાં ખોડલધામ સમિતિના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ કહ્યું હતું કે આજની બેઠકમાં રાજકારણની ચર્ચા કરવામાં નહીં આવે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે બાબતે જાહેરાત કરવામાં નહીં આવે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી અંગે કોઇ સ્પષ્ટતા નહીં થાય કેમ કે હજી સર્વે બાકી છે તેથી કોઈ જાહેરાત કરવામાં નહીં આવે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અનુભવાઇ રહી છે અંગ દઝાડતી ગરમી, પાણીજન્ય રોગચાળો વકર્યો