રાજકોટમાં શ્વાને બાળકીનો જીવ લીધા બાદ જાગ્યુ તંત્ર, અગાઉ ફરિયાદ કરવા છતા ન કરાઈ કોઈ કામગીરી
રાજકોટના રસ્તાઓ પર એક એવો આતંક રખડી રહ્યો છે કે જે રોજ લોકોને શિકાર બનાવી રહ્યો છે. આ આતંકથી લોકો ત્રાહિમામ છેએ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર કાર્યવાહીની વાતો કરે છે જેનાથી જમીની હકીકત ઘણી વેગળી છે.
રાજકોટમાં રસ્તા પર રીતસરનો આતંક રખડી રહ્યો છે. શ્વાનને આતંક કહેવા પાછળનું કારણ પણ છે. ગઈકાલે એક માસૂમ 4 વર્ષની બાળકીને શ્વાનોએ ઘેરી લીધી અને તેના પર હુમલો કર્યો. શ્વાનોના આ હુમલામાં બાળકી એટલી હદે ઘાયલ થઈ હતી કે તેનું મોત નિપજ્યું. કલ્પના કરો કહેવાતા વિકાસશીલ રાજ્યમાં શ્વાન કરડવાથી બાળકો મોતને ભેટી રહ્યા છે અને તંત્ર મૂક પ્રેક્ષકની મુદ્રામાં તમાશો જોઈ રહ્યુ છે. શ્વાનોના હુમલા થાય અને તેમાં માસૂમ બાળકો પિખાઈને જીવ ગુમાવે છે.
ફરિયાદ કરી તો તંત્ર દ્વારા મળ્યો ઉડાઉ જવાબ- ‘કૂતરુ કરડે પછી આવીશુ’
એવું નથી કે સ્થાનિકોએ ફરિયાદ ના કરી હોય. અહિં આ જ જગ્યાની અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશન એવા ઉડાઉ જવાબ આપે છે કે કોઈને કુતરુ કરડે પછી આવીશું. તેમાં પણ ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરશો તો જ ટીમ શ્વાન પકડવા આવશે નહીં તો તેને રખડવા દેવાશે. આ ઉડાઉ જવાબ આપનારાની આળસે એક માસુમનો જીવ લીધો. કારણ કે શ્વાન એવા કરડ્યા ટીમ પકડવા આવે તે પહેલા જીવ જતો રહ્યો. લોકોનું કહેવું છે કે સરકારે ખરેખર કામ કરવું જોઈએ. આ ત્રાસ ઓછો થવો જ જોઈએ કારણ કે કૂતરા નહી પકડાય તો જોખમ ચાલુ જ રહેશે.
બાળકીના મોત બાદ કોર્પોરેશનની ટીમ શ્વાન પકડવા પહોંચી
સ્થાનિકો સતત ચિંતામાં છે. તેમનું માનવું છે કે પુષ્કળ કચરો અને શ્વાનની વધતી સંખ્યા તેમને રોજ ચિંતામાં મૂકી દે છે. જોકે સમગ્ર ઘટના બાદ હવે રહી રહીને કોર્પોરેશનની ટીમ હરકતમાં આવી શ્વાન પકડવા અલગ અલગ ટીમો મોકલી છે. હવે ઘટના ઘટ્યા પછી કાર્યવાહીની વાતો થઈ રહી છે પરંતુ જો પહેલા કામગીરી હાથ ધરી હોત તો નિર્દોષ બાળકીનો જીવ ના ગયો હોત. આ સમગ્ર ઘટનામાં તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે કે …
- શું RMC કાર્યવાહી માટે બાળકીના મોતની રાહ જોઈ રહ્યું હતુ ?
- રોજ મળતી ફરિયાદો પર કામ કેમ નથી થતુ ?
- બાળકીના મોત પાછળ જવાબદાર કોણ ?
- શું શ્વાન પકડવાની કાર્યવાહી રોજિંદી ના હોય શકે ?
- સતત વધતા ત્રાસનું સમાધાન શું ?
- લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે ખરૂ?
આ તમામ સવાલો છે કે જેના જવાબ મળવા જરૂરી છે. આ સ્થિતિમાં RMCએ જાતે વિચારવું પડશે કે ખરા અર્થમાં તેમની બેદરકારીએ જ બાળકીનો ભોગ લીધો છે. જો ફરિયાદ થઈ ત્યારે પગલા લેવાયા હોત તો આજે બાળકી કદાચ જીવતી હોત.
આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકના વધતા કેસને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે યોજ્યો કેમ્પ- જુઓ તસ્વીરો
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો