Rajkot : શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ-11 ના બે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ, સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી ફરિયાદ
Rajkot News : બી.એ.ના પેપરની પરીક્ષા આગામી 3 જાન્યુઆરીના રોજ લેવાવાની માહિતી મળી છે. તો અર્થશાસ્ત્રનું પેપર આગામી 4 જાન્યુઆરીના રોજ લેવાવાનું હોવાની માહિતી છે. જો કે 1 જાન્યુઆરી એટલે કે આજે જ આ બંને વિષયના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાની માહિતી છે.

રાજકોટમાં પરીક્ષા પહેલા જ શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ-11ના બે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે. બી.એ. અને ઇકોનોમિક વિષયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે. બે દિવસ પછી બંને વિષયના પેપરની પરીક્ષા યોજાવાની છે. જો કે તે પહેલા જ પેપર લીક થઇ ગયા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. જો કે બીજી તરફ શિક્ષણાધીકારીએ TV9 સાથે વાતચીતમાં આ પેપર યુનિટ ટેસ્ટના હોવાનું જાણવા મળ્યુ હોવાની માહિતી આપી છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાઇરલ કરાયાની શક્યતા છે. સ્કૂલ સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.
ધોરણ 11 કોમર્સના બી.એ. અને અર્થશાસ્ત્રના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘટના સામે આવી છે. બી.એ.ના પેપરની પરીક્ષા આગામી 3 જાન્યુઆરીના રોજ લેવાની માહિતી મળી છે. તો અર્થશાસ્ત્રનું પેપર આગામી 4 જાન્યુઆરીના રોજ લેવાનું હોવાની માહિતી છે. જો કે 1 જાન્યુઆરી એટલે કે આજે જ આ બંને વિષયના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાની માહિતી છે. જેને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે કોઇ વૃદ્ધને સ્કૂલના નજીકના ગાર્ડન પાસેથી પેપર મળી આવ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે શિક્ષણાધિકારીને જાણ થતા જ શિક્ષણાધિકારીએ આ મામલે તપાસ શરુ કરવાના આદેશ આપ્યા છે. શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મારી શ્રદ્ધા વિદ્યાલયના સંચાલક સાથે વાત થઇ છે. તેમના જણાવ્યા મુજબ આ પેપર તેમનું નથી. તેમની શાળાના નામે કોઇએ પેપર બનાવીને મુક્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
શાળા સંચાલકે જણાવ્યુ છે કે, આ યુનિટ ટેસ્ટ છે અને પેપર છપાવાના પણ હજુ બાકી છે. શાળાની રેગ્યુલર પરીક્ષા તો 17 જાન્યુઆરીથી શરુ થવાની છે. એટલે કોઇ હિતશત્રુએ આવુ બહાર પાડીને મુક્યુ હશે તેવુ લાગી રહ્યુ છે. શાળા સંચાલકે પેપર તેમના લેવલથી ન ફુટ્યુ હોવાનું પણ જાણવા મળ્યુ છે. આ અંગે વધુ તપાસ આવતીકાલે શાળા ખુલતા કરવામાં આવશે.
શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યુ હતુ કે સોશિયલ મીડિયામાં વાયરલ પેપર અમારી પાસે પણ આવ્યા છે. જો કે આ પેપર શાળાના યુનિટ ટેસ્ટના પેપર છે. એ કોઇ જાહેર પરીક્ષાના પેપર નથી. દરેક શાળા પોતાની રીતે પેપર કાઢીને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી હોય છે. છતા જો આ પેપર લીક થવા અંગે વધુ વિગતમાં તપાસ કરવામાં આવશે.
(વિથ ઇનપુટ-રોનક મજીઠિયા, રાજકોટ)