Rajkot: આત્મીય સંકુલના રૂ.33 કરોડની ઉચાપત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સમીર વૈદ્યે આપ્યું સ્વૈચ્છિક રાજીનામું
સમીર વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના વડા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ યુનિવર્સિટીમાં છેલ્લા 26 વર્ષથી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.
Rajkot: સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના આત્મિય સંકુલમાં 33 કરોડની ઉચાપત કેસમાં (Embezzlement Case) રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં ત્રણ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી છે. જેના કારણે સમીર વૈદ્યની સંડોવણી ખુલતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેની સામે કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ સમીર વૈધે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના વડાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો Rajkot: જન્માષ્ટમીનો મેળો થશે મોંઘો, રાઇડ્સના ભાવમાં 10 રૂપિયાનો વધારો, મેળાને ‘રસરંગ’ નામ અપાયું
સમીર વૈદ્ય 26 વર્ષથી ફરજ બજાવતા હતા
સમીર વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના વડા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ યુનિવર્સિટીમાં છેલ્લા 26 વર્ષથી પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. જો કે તેઓ દિકરીના લગ્નનું કારણ દર્શાવીને તેઓ નવા શૈક્ષણિક સત્રથી જ રજા પર હતા અને યુનિવર્સિટીમાં હાજર રહ્યા ન હતા. આત્મીય સંકુલની 33 કરોડની છેતરપિંડીમાં તેઓનું નામ સામે આવતા યુનિવર્સિટી કેમ્પસમાં તેઓને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી. જેના કારણે ગઈકાલે જ સમીર વૈદ્યએ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું હતું. સમીર વૈદ્યના સ્વૈચ્છિક રાજીનામાંની વાતને ઈન્ચાર્જ કુલસચિવ મનીષ ધામેચાએ સમર્થન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે પણ ઉભા થયા હતા સવાલો
આત્મિય સંકુલની 33 કરોડની ઉચાપાતના કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરનું નામ સામે આવતા કુલપતિ ગિરીશ ભિમાણી મૌન રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ સામે સવાલો એટલા માટે થયા કારણ કે જ્યારે યુનિવર્સિટીમાં થયેલા વિવાદોને લઇને એક પ્રોફેસર દ્વારા કવિતા લખવામાં આવી હતી. ત્યારે કુલપતિ દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી અને ખુલાસો પૂછવામાં આવ્યો હતો. ત્યારે આટલી ગંભીર બેદરકારીના કેસમાં કુલપતિ દ્વારા ખુલાસો પુછવામાં ન આવ્યો તે મોટો સવાલ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો