Rajya Sabha election: કેશરીદેવસિંહ ઝાલાની પસંદગી કરીને ભાજપે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજને પ્રોત્સાહન આપ્યું, જો કે મોરબીમાં આંતરિક જુથવાદ મોટો પડકાર !
રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપ દ્રારા બે નામોની જાહેરાત કરવામાં આવી છે જેમાં એક નામ વાંકાનેરના રાજવી અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના અગ્રણી કેશરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.
Rajkot: આખરે રાજયસભાની ચૂંટણી માટે ભાજપે બે નામ પરથી સસ્પેન્સ હટાવ્યુ છે. બાબુ દેસાઇ (Babu Desai) અને કેસરીસિંહ ઝાલાનું (Kesrisinh Zala) નામ જાહેર કરવામાં આવ્યુ છે. મહત્વનુ છે કે કેશરીદેવસિંહ ઝાલા વાંકાનેરના રાજવી છે અને તેના પિતા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. કેશરીદેવસિંહની પસંદગીથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજને પ્રભુત્વ આપવામાં આવ્યું છે.
કેશરીદેવસિંહ વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર હતા
કેશરીદેવસિંહ વિધાનસભા 2022ની ચૂંટણીમાં પ્રબળ દાવેદર હતા. તેઓની સેન્સ પ્રક્રિયા અને પેનલમાં પણ નામ ગયું હતુ જો કે છેલ્લી ઘડીએ લોહાણા સમાજમાંથી આવતા જીતુ સોમાણીને ટિકીટ મળી હતી. આ સમયે કેશરીદેવસિંહની નારાજગી જોવા મળી હતી.જો કે તેઓએ પાર્ટીના સમર્થનમાં કામ કર્યું હતું જેના પરિણામે પાર્ટીએ તેની પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મોરબીમાં આંતરિક જુથવાદ મોટો પડકાર
કેશરીદેવસિંહ વાંકાનેરના રાજવી છે, જો કે ભાજપમાં તેઓએ પ્રવેશ લીધા બાદ વાંકાનેર અને મોરબી જિલ્લામાં ભાજપના બે જુથ પડી ગયા છે એક તરફ કાંતિ અમૃતિયા જુથ અને બીજી તરફ મોહન કુંડારિયા જુથ. જીતુ સોમાણી કે જેઓ કાંતિ અમૃતિયા ગ્રુપના છે અને વિધાનસભાની ચૂંટણીમાં કેશરીદેવસિંહ ઝાલાના બદલે તેમને ટિકીટ મળી હતી, હવે કેશરીદેવસિંહ ઝાલા પણ રાજ્યસભાના સાંસદ બનવા જઇ રહ્યા છે ત્યારે કાંતિ અમૃતિયા હરીફ જુથ છે તે પણ મજબુત સ્થિતિમાં આવી ગયું છે.
ભાજપ આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે જેથી તેનો આંતરિક જુથવાદ સીધી રીતે સામે આવતો નથી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં અહીં સ્થિતિ અલગ હતી અને બંન્ને જુથો એકબીજાની ખુલ્લેઆમ સામે આવી ગયા હતા જો કે આખરે મવડી મંડળ અને આગેવાનોની મધ્યસ્થીથી વિવાદ શાંત કરાયો હતો પરંતુ હવે જ્યારે કેસરીદેવસિંહ ઝાલાનું નામ જાહેર થતા સ્થાનિક કક્ષાએ જુથવાદ ઘેરો ન બને તેના પર ભાજપે નજર રાખવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: કોઠારિયા વિસ્તારના રસ્તાઓ બિસ્માર, મુખ્ય રસ્તાઓ પર કીચડ અને ખાડાનું સામ્રાજ્ય, જુઓ Video
સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ, વિધાનસભામાં અન્યાય થયાની લાગણી હતી
સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને વસતીના પ્રમાણમાં ઓછી ટિકીટ આપી હોવાની લાગણી ઉઠી હતી. એક તરફ કોંગ્રેસ દ્રારા પ્રદેશ અધ્યક્ષ તરીકે ક્ષત્રિય સમાજના નેતા શક્તિસિંહનું નામ જાહેર કર્યા બાદ ક્ષત્રિય સમાજને પ્રભુત્વ મળે તેવો પ્રયાસ ભાજપ દ્રારા કરનામાં આવ્યો છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો